ક્રિકેટ સટ્ટાનું ‘બેટીંગ’ જામ્યું, દાવ કો’ક લઈ ગયું’ને ફિલ્ડીંગ બીજા ભરશે
જેન્ટલમેનની રમતને સટોડીયાનું ‘ગ્રહણ’ લાગી ગયું: તંત્રની મીઠી નજર હેઠળ લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર પર પડદો પડશે કે કૌભાંડની માહિતી બહાર આવશે તે તો હવે સમય જ કહેશે
રાજકોટના યુનિવસિર્ટી રોડ જેવા પોશ વિસ્તારમાં સ્થાનીક પોલીસ તંત્રની મીઠી નજર તળે ચાલતા ક્રિકેટ સટ્ટાના જબરદસ્ત નેટવર્કની ગાંધીનગર સી.આઇ.સેલે પર્દાફાશ કર્યો છે. જેમાં અલાઉદ્દીનનો જાદુઇ ‘ચિરાગ’ ચળકર્યો છે. ત્યારે સ્થાનીક તંત્રના શેટીંગ વિખાઇ ગયા છે ક્રિકેટ સટ્ટાએ સ્થાનીક પોલીસ તંત્રના ભોરીંગ ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી નાખી છે જો કે આ તો માત્ર ટે્રલર છે પુરી ફિલ્મ હજુ બાકી છે.ક્રિકેટની રમત જેટલમેનની રમત ગણાતી અગાઉના સમયમાં માલેતુજારો પોતાનો શોખ ક્રિકેટ રમીને પુરો કરતા હતા પરંતુ હાલના સમયમાં ક્રિકેટ ‘બેટીંગ’ ની વ્યાખ્યા ન બદલાઇ ગઇ છે. અત્યારે ક્રિકેટની રમત સટ્ટા બેટીંગની રમત બનીને રહી ગઇ છે. ત્યારે ગઇકાલના દરોડામાં સ્થાનીક પોલીસ તંત્રનું શેટીંગ વિખી નાખ્યું છે.
રાજકોટના પોશ ગણાતા યુનિવસિટી રોડ પરના જલારામ-રમાં આવેલ સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટમાં સ્થાનીક પોલીસની મીઠી નજર હેઠળ ક્રિકેટની સટ્ટો ચાલતો હોવાની ચોકકસ બાતમીના આધારે ગાંધીનગર સી.આઇ.સેલની ટીમ શનિવારે રાત્રે ક્રિકેટના સટ્ટા પર ત્રાટકી હતી જો કે સટ્ટો રમાડતો નામચીન બુકી દીપક દિનેશ ચંદારાણા હાજરમાં મળી આવ્યો ન હોતો.પોલીસે ઘટના સ્થળેથી રૂ. 3.6ર લાખની કિંમતના મુદામાલ સાથે કિશોર ગોકુલદાસ ચીતલીયા, જીજ્ઞેશ નાનુભાઇ વાજા, અર્જુન ઉર્ફે અન્ની રાજેશ પોપટ, પ્રેમલ દિનેશ રાયચુરા અને હિરેન અરવિંદ સેજપાલની ધરપકડ કરી ર6 મોબાઇલ, લેપટોપ, ટેબ્લેટ, ટીવી સહીતની મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસની પુછપરછમાં ક્રિકેટ સટ્ટાના માસ્ટર માઇન્ડ દિપક ચંદારાણા અને અલાઉદ્દીન સહીતના શખ્સોની ખુલ્લી છે. જાણકારોમાં ચર્ચાતી વિગત મુજબ અલાઉદ્દીન મહારાષ્ટના પુનાના ચીરણ નામના શખ્સ પાસે સટ્ટા બેટીંગની કપાત કરાવતો હતો.
ગાંધીનગરની ટીમે સ્થાનીક પોલીસ તંત્રને અંધારામાં રાખી ક્રિકેટના સટ્ટા પર દરોડો પાડતા સ્થાનીક પોલીસ તંત્રમાં હડીયા પટ્ટી થઇ પડી હતી એટલું જ નહી સ્થાનીક પોલીસ મથકના બે પોલીસમેન દરોડા સ્થળે સીન જમાવવા દોડી ગયા હતા પરંતુ ગાંધીનગરની વિજીલન્સને જોયને બન્ને પોલીસમેનના મોતીયા મરી ગયા હતા.અંતે બન્ને પોલીસમેનને થોડીવાર માટે ગાંધીનગરની ટીમે બેસાડી પણ દીધા હતા પાછળથી મારામારી થઇ હતી અને શહેરના વહીવટદારોએ દરમિયાનગીરી કરતા બન્ને પોલીસમેનને જવા દીધા હતા.
જાણકારોના જણાવ્યા પ્રમાણે ક્રિકેટનો સટ્ટો પાસેરામાં પુણી સમાન છે આવા સટ્ટા શહેરમાં રાફડાની જેમ ફાટી નીકળ્યા છે. જેમાંથી લાખો રૂપિયાની મલાઇ તારવી લેવામાં આવે છે.વીજીલન્સના દરોડા બાદ શહેરમાં અનેક ક્રિકેટ સટ્ટોડીયાના મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયા હતા અને અનેક તો ફરવા પણ ઉપડી જતા પોલીસ તંત્રના શેટીંગ વિખાઇ ગયા હતા.હવે જોવાનું એ રહે છે કે વિજીલન્સ આ ક્રિકેટ સટ્ટાના મોટા આકાઓને ઉઘાડા પાડશે કે પછી ભુતકાળમાં થયું છે તેમ ઘીના ઠામમાં ઘી ઢોળાય જશે તે તો આવનારો સમય જ કહેશે.