રાજકોટમાં આજે મેઘરાજા મહેરબાન થયા હતા. ઘણા વિસ્તારોમાં ધીમી ધારે તો ઘણા વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ આવ્યો હતો. આજે વરસાદના આગમન બાદ આજી ડેમ -૨ની સપાટીમાં વધારો થયો છે.
ફલડ ઓફીસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ (ફ્લડ સેલ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે
રાજકોટ તાલુકાના, માધાપર ગામ પાસેનો આજી-૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂરેપૂરો ભરાઈ ગયેલ હોવાથી રાત્રે ૮.૧૫ વાગ્યે ડેમના ૩ દરવાજા ૧ ફુટ ખોલવામાં આવેલ છે, ડેમમાં ૨૦૩૪ ક્યુસેક પાણીના પ્રવાહની આવક છે.
હાલમાં ડેમમાંથી ૨૦૩૪ ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે તો ડેમની હેઠવાસમાં પડધરી તાલુકાના અડબાલકા, બાધી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, નારણકા, જુના નારણકા, હરીપર,ખંઢેરી, નાગરકા અને ઉકરડા તથા ટંકારા તાલુકાના સખપર અને કોઠારીયા ગામોના રહેવાસીઓને નદીના પટમાં અવર – જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવે છે.