રાજકોટની એઇમ્સ શરુ થતા સૌરાષ્ટ્ર -ગુજરાતના લોકોને વિશિષ્પ સારવાર માટે અન્ય રાજ્યમાં જવું નહિ પડે
ઓગસ્ટ માસમાં ૧૫૦ બેડ અને સપ્ટેમ્બરમાં ૨૫૦ બેડની ઇન્ડોર હોસ્પિટલ કાર્યરત થશે: હાલ ૨ હજાર જેટલો મજૂરો એઈમ્સની કન્સ્ક્ટ્રક્શનની કામગીરી માટે કાર્યરત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રાજકોટ ખાતેની એઇમ્સ હોસ્પિટલની કામગીરીની સમીક્ષાર્થે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવીયા રાજકોટ એઇમ્સની સમીક્ષા મુલાકાતે પધાર્યા હતાં. આ તકે મંત્રી સમક્ષ એઈમ્સની પ્રવર્તમાન સ્થિતિનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ચિત્ર રજુ કરાયું હતું. આગામી ચાર માસમાં જ એઇન્સનું માળખું તૈયાર થઈ જશે તેવું પણ કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું હતું.
આ અંગે ડો.મનસુખ માંડવીયાએ આ તકે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક રાજ્યમાં ઉત્કૃષ્ટ સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ હોઈ તેઓના વડાપ્રધાન બન્યા બાદ ૨૦૧૪
થી નવી ૧૬ એઈમ્સને મજૂરી આપવામાં આવી છે. જે તમામ હાલ નિર્માણાધીન છે. જેમાં રાજકોટની એઇમ્સમાં હાલ ઓ.પી.ડી. કાર્યરત છે. શિક્ષણ કાર્યની સાથોસાથ નિર્માણાધીન હોસ્પીટલમાં ઓગસ્ટ માસમાં ૧૫૦ બેડ અને સપ્ટેમ્બર માસમાં ૨૫૦ બેડની ઇન્ડોર હોસ્પિટલ કાર્યરત થશે, ત્યારે ગુજરાતના લોકોને સારવાર માટે અન્ય રાજ્યમાં જવું નહીં પડે તેમ મંત્રીશ્રીએ સહર્ષ જણાવ્યું હતું.
સમગ્ર ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટ ખાતે નિર્માણ થઈ રહી છે,ત્યારે હોસ્પીટલની કામગીરી નિયત સમયમાં કોઈપણ કચાશ વગર પૂર્ણ થાય તે જોવા કેન્દ્રીય મંત્રી માંડવીયાએ આ તકે કાર્યરત એજન્સીઓ તેમજ એઇમ્સના જવાબદાર અધિકારીઓને તાકીદ કરી હતી.
આ તકે મંત્રીએ વિવિધ બ્લોકની કામગીરી નિહાળી હતી. મંત્રી માંડવીયાએ હોસ્પિટલને ગ્રીન ઝોન બનાવવા માટે વિદ્યાર્થીઓ, સ્ટાફ સહિત તમામ લોકો દ્વારા એક વૃક્ષ ઉછેરવા સૂચન કર્યું હતું.
રાજકોટ એઇમ્સ ખાતેના ડેપ્યુટી ડિરેક્ટર પુનિત અરોરાએ પ્રેઝન્ટેશન આપી જણાવ્યું હતું કે, હાલ હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી. બિલ્ડીંગ, જન ઔષધી કેન્દ્ર, અમૃત ફાર્મસી, કેન્ટીન, એ.ટી.એમ. આયુષ બ્લોક પૂર્ણતઃ કાર્યરત છે. જ્યારે એકેડેમી બ્લોક, ઇન્ડોર હોસ્પિટલની કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે ગેસ્ટ રૂમ, ડિરેક્ટર બંગલો, હાઉસિંગ બ્લોક ટાઈપ 3 વગેરે પૂર્ણ થઈ ચૂક્યા છે. નર્સિંગ હોસ્ટેલની કામગીરી પ્રગતિ હેઠળ છે. ચીલર પ્લાન્ટ સ્થપાઈ ચુક્યો છે. જેમાંથી હોસ્પિટલ, એકેડેમી બ્લોક સેન્ટ્રલી એ.સી. કરાશે. ૬૬ કે.વી. નું ટ્રાન્સફોર્મર મુકાઈ ચૂક્યું છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
હાલ હોસ્પિટલ ખાતે છ ઈ-રીક્ષાઓ પણ કાર્યરત છે. ટેલી મેડિસિન કામગીરી હેઠળ રોજના ૧૪૦ જેટલા મેડિસિનના કોલ અટેન્ડ કરવામાં આવે છે. જ્યારે ફિઝિકલી પ્રતિ માસ ૫૦૦૦ જેટલા ઓ.પી.ડી. કેસ હેન્ડલ કરવામાં આવે છે. હાલ એઇમ્સ ખાતે ૧૫૦ જેટલા સ્ટુડન્ટ શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાંથી ૧૪૨ સ્ટુડન્ટ હોસ્ટેલ ખાતે રહે છે.
વધુમાં કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું હતું કે, ‘અગાઉ મેં ફેબ્રુઆરી માસમાં મુલાકાત લીધી હતી. આ દરમિયાન લેબરોની અને પાણીની સમસ્યા ઓન હતી. એ સમયે ૮૦૦ મજૂરો કામ કરતા હતા આજે ૨૦૦૦ મજૂરો કામ કરી રહ્યા છે. પાણી માટે સમસ્યા હતી એ પુરી થઇ ગઈ છે ફેઝ વન માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજકોટ એઇમ્સમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. કામ ઝડપી થઇ રહ્યું છે બધી એજન્સીઓ વચ્ચે તાલમેલ સારું છે માટે કામ સમયસર પૂરું થશે તેવો મને વિશ્વાસ છે.
આ સમીક્ષા બેઠકમાં સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્ય સર્વે રમેશભાઈ ટીલાળા, ઉદય કાનગડ, આરોગ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરી અંકિતા મિશ્રા બુંદેલા, કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, એઇમ્સ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. (કર્નલ) સી.ડી.એસ કટોચ, ડો.જે.સી.અમલાણી, એચ.એચ. એસ.સી.એજન્સીના મેનેજિંગ ડિરેક્ટર નોવમન અહેમદ, નાયબ કમિશનર કે.નંદાણી , પ્રાંત અધિકારી વિવેક ટાંક સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાની વયના લોકોમાં વધતા જતા હાર્ટએટેકના પગલે આઇ.સી.એમ.આર.ની સ્ટડી શરૂ: કેન્દ્રીયમંત્રી
કોરોના પછી હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો હોવાનું અને ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો હોવાનું ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સ્વીકાર્યું છે. આજે રાજકોટની મુલાકાતે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે હાર્ટ એટેકના બનાવો પર આઇ.સી.એમ.આર. દ્વારા રિસર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે.
કેન્દ્રીયમંત્રી ડો.મનસુખ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના પછી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. એના માટે હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા આઇ.સી.એમ.આર.ને સ્ટડી આપી છે. જે છેલ્લા ચાર મહિનાથી ડિટેઇલ સ્ટડી કરી રહી છે. ભારત પાસે કોવીન સોફ્ટવેર છે તેમાં વેક્સિનેટેડ દરેક વ્યક્તિના ડેટા ઉપલબ્ધ છે. એ ડેટાનું એનાલિસિસ કરીને આઇ.સી.એમ.આર. રિપોર્ટ આપશે જેના આધારે આગળ નિર્ણય કરી શકીશું.
વાવાઝોડાના પગલે કેન્દ્રીયમંત્રીની અધ્યક્ષતામાં રીવ્યુ મિટિંગ : કલેકટરએ વ્યવસ્થાપનની માહિતી આપી
ઇમર્જન્સી સારવાર માટે એઇમ્સ તથા અન્ય સારવાર કેન્દ્રોને તૈયાર રહેવા સૂચના આપતા મંત્રી
આગામી દિવસોમાં બિપોરજોય ચક્રવાત સૌરાષ્ટ્ર નજીકથી પસાર થવાની સંભાવનાને અનુલક્ષીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજકોટ એઇમ્સ ખાતે આયોજિત આ બેઠકમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે લેવામાં આવેલા આવશ્યક પગલાંઓની માહિતી કલેકટર પ્રભવ જોશીએ પુરી પાડી હતી.
કલેકટરના દ્વારા જણાવ્યા મુજબ આગામી તા.૧૫ જૂનના રોજ રાજકોટ જિલ્લા આસપાસ ૮૦ થી ૧૦૦ કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની તેમજ વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી હોવાથી રાજકોટ ખાતે બે એસ.ડી.આર.એફ.ની ટીમ તૈનાત કરવામાં આવી છે. ભારે પવનને કારણે વીજ પોલને નુકશાન થાય તો તેના સમારકામ માટે પી.જી.વીસી.એલની ટીમ ખડે પગે હાજર રહેશે. ડી-વોટરિંગ, જે.સી.બી. સહિતના સાધનો તૈનાત રાખવામાં આવ્યું હોવાનું તેમજ જરૂર પડ્યે લોકોના સ્થળાન્તર અને આશ્રયસ્થાનોની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાઈ હોવાનું કલેકટરએ જણાવ્યું હતું.
આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જરૂર પડ્યે ઇમર્જન્સી સારવાર માટે એઇમ્સ તથા અન્ય સારવાર કેન્દ્રોને સજ્જ રહેવા સૂચના આપી હતી. જરૂર પડ્યે અન્ય જિલ્લાઓમાંથી મેડિકલ ટીમ બોલાવવા પણ તાકીદ કરી હતી. આ સાથે આજ રોજ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા તમામ સરકારી અધિકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે વધુ પડતી અસર થાય તો તેને પહોંચી વડવા માટે ખાસ કોસ્ટગાર્ડ દ્વારા રાજકોટ એરપોર્ટ ખાતે બે હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. જરૂર પડ્યે તેને જે તે સ્થળે મોકલવામાં આવશે.