એઇમ્સની ઓપીડી માટે કેન્દ્રમાંથી સમય મંગાયો : 31મીએ મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા પુરજોશમાં ચાલતી તૈયારીઓ
અબતક, રાજકોટ : 31મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવી રહ્યા છે. તેઓના હસ્તે એઇમ્સની ઓપીડીનું લોકાર્પણ થવાનું નથી. તેઓના હસ્તે માત્ર એરબલુન હોસ્પિટલ જ ખુલ્લી મુકવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
31 ડિસેમ્બરે સીએમ ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એઈમ્સની ઓપીડી ઉપરાંત એરબલૂન હોસ્પિટલ તેમજ સાયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવનાર હોવાની વાતો વહેતી થઈ હતી. પણ મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીના હસ્તે ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં તૈયાર થયેલી એરબલુન હોસ્પિટલનું જ લોકાર્પણ કરવામાં આવનાર છે. એઇમ્સની ઓપીડી માટે હજુ દિલ્હીથી સમય માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત સાયન્સ મ્યુઝિયમ પણ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાવાનું નથી.
31મીએ મુખ્યમંત્રીની મુલાકાતને પગલે તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીની જન્મ જયંતી નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી રાજયભરમાં રાજય સરકાર તેમજ રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે. જે અન્વયે રાજ્યની ત્રણેય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ સુશાસન સપ્તાહનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ તા.31 ના 11 વાગ્યે ધર્મેન્દ્ર કોલેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે. આ કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રીને આવકારવા-અભિવાદન માટે એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીનો રોડ-શો પણ યોજાશે. હાલમાં તંત્ર દ્વારા આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.