હકાલપટ્ટી કરનાર પ્રાંતની બદલીનો હુકમ થતા જ એજન્ટોના ફરી રાફડા જામ્યા, ફોર્મ ભરવાના મસમોટા ઉઘરાણા પુન:શરૂ
જૂની કલેક્ટર કચેરીમાં પ્રાંતે એજન્ટોની હકાલપટ્ટી કર્યા બાદ માત્ર એક જ દિવસની બ્રેક પછી ફરી આજે એજન્ટોએ રાફડો જમાવ્યો છે.આ એજન્ટો ફોર્મ ભરવાના નામે મસમોટા ઊઘરાણા કરી રહ્યા હોય તેઓની સામે તાકીદે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
જૂની કલેક્ટર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી એજન્ટોનો ત્રાસ વર્તાઈ રહ્યો હતો. આવકમાં દાખલા સહિતની કામગીરી જૂની કલેક્ટર કચેરીમાં થતી હોય, આ એજન્ટો ફોર્મ ભરવા સહિતના મામુલી કામ માટે રૂ. 200થી 500ના ઉઘરાણા કરતા હતા. આ મામલે છેલ્લે ઘણા સમયથી ફરિયાદો ઉઠી રહી હતી. અંતે આ ફરિયાદો તંત્રના કાને પહોંચતા ગત તા.2ના રોજ સાંજે કાર્યવાહી કરવામાં આવી હતી.
સીટી-1 પ્રાંત સિધ્ધાર્થ ગઢવી દ્વારા જૂની કલેક્ટર કચેરીમાં બેસતા એજન્ટોને કચેરીની જગ્યામાંથી કાઢવામાં આવ્યા હતા. જો કે કચેરીમાં અંદાજે 4 જેટલા જ પિટિશન રાઇટર કાયદેસર રીતે બેસતા હોય, તેઓને યથાવત રીતે બેસવા દેવામાં આવ્યા હતા. બાકીના એજન્ટોની પ્રાંત દ્વારા હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ એજન્ટોને હવે જો કચેરીમાં પ્રવેશ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.
જો કે કાર્યવાહી કરનાર પ્રાંતની બદલીનો હુકમ થઈ જતા આ એજન્ટો ફરી સક્રિય થઈ ગયા છે. માત્ર એક દિવસની બ્રેક બાદ એજન્ટોએ ફરી રાફડા જમાવ્યા છે. આજે કચેરીના પટાંગણમાં ફરી એજન્ટો અરજદારોને માત્ર ફોર્મ ભરી આપવાના કામે લૂંટતા નજરે પડ્યા હતા.