ઢોર પકડ પાર્ટી પર હુમલા બાદ 230 ઢોરને પકડી લેવાયાં: 100 પશુઓને સાયલા પાંજરાપોળ મોકલાયા
હાઇકોર્ટની આકરી ટકોર બાદ કોર્પોરેશન દ્વારા હાલ શહેરમાં પૂરજોશમાં ઢોર પકડ કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજમાર્ગો બાદ હવે શેરી-ગલ્લીઓમાંથી પણ ઢોર પકડવાનું શરૂ કરવામાં આવ્યું હોય માલધારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આજે બપોરે માલધારી સમાજ એક મોટું ટોળું કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્યું હતું. ઉગ્ર સૂત્રોચ્ચાર પોકાર્યાં હતા. રાષ્ટ્રીય સંઘના નેજા હેઠળ શહેરી ઢોર નિયંત્રણ ધારો રદ્ કરવાની માંગણી કરતું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આ અંગે કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીના સ્ટાફ પર ગત 1લી સપ્ટેમ્બરના રોજ કેમિકલ એટેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા બમળા જુસ્સા અને ડબલ પોલીસ પ્રોટેકશન સાથે ઢોર પકડની કામગીરી ત્રણ શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક શરૂ કરવામાં આવી છે. રોજ સરેરાશ 40 જેટલા ઢોર પકડવામાં આવી રહ્યા છે. છેલ્લા 6 દિવસમાં 230 ઢોરને પકડી લેવામાં આવ્યા છે. શહેરના મુખ્ય 48 રાજમાર્ગો બાદ હવે શેરી-ગલ્લીઓ અને સોસાયટીઓમાંથી ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ ઢોર ડબ્બા ખાતે 1400 જેટલા ઢોર છે. જે પૈકી તાજેતરમાં 100 ઢોરને સાયલા પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. દૂઝણા ઢોર સિવાયના પશુઓ છોડાવવા માટે માલધારીઓ આવતા ન હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.
કોર્પોરેશન દ્વારા પૂરજોશમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હોય માલધારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે રાષ્ટ્રીય માલધારી સંઘ અને ગોપાલક માલધારી સેનાના નેજા હેઠળ માલધારીઓમાં ટોળું કોર્પોરેશનની કચેરી ખાતે ધસી આવ્યું હતું. ઢોર પકડવાની કામગીરી બંધ કરવામાં આવે તેવા સૂત્રોચ્ચાર પોકાર્યાં હતાં અને શહેરી ઢોર નિયંત્રણ કાયદો બંધ કરવાની પણ માંગણી કરાઇ છે.