રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ગુંદા ગામના પાટીયા પાસે રેલવે મહિલા કર્મચારીની પાંચ વર્ષ પહેલા કરપીણ હત્યા નિપજાવાના બનાવનો કેસ સેશન્સ અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે આરોપીપ્રેમીને તકસીરવાન ઠેરવી સાંજે સજાનો હુકમ કર્યો હતો. વધુ વિગત કોઠી કમ્પાઉન્ડમાં રહેતી અને રેલવેમાં નોકરી કરતી પુજાબેન ભુપતભાઈ જાદવ ઉ.47 નામની વિધવાની અમદાવાદ હાઈવે પર ગુંદા ગામના પાસે હત્યા કરાયેલી લાશ મળી આવતા કુવાડવા પોલીસ મથકના સ્ટાફે મૃતકની પુત્ર પ્રિતીબેન કેવલ સોલંકીની ફરિયાદ પરથી હરીદ્વાર રહેતો રાજેન્દ્ર સરદારી લાલ શેઠ નામના 40 વર્ષિય યુવક મોતને ઘાટ ઉતાર્યાનો ગુનો નોંધ્યો હતો.
પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપી રાજેન્દ્ર સરદારી લાલ શેઠની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં ત્રણ વર્ષથી વિધવા મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હોય અને બંને સોમનાથ સાથે ફરવા ગયા બાદ બંને વચ્ચે કોઈ મુદે થયેલી બોલાચાલીમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી અમદાવાદ હાઈવે પર ગુંદા ગામના પાટીયા પાસે લાશને ફેંકી દીધાની કબુલાત આપી હતી.
તપાસ પૂર્ણ થતા રાજેન્દ્રશેઠને જેલ હવાલે કર્યા હતા. અને તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરતા કેસની સુનાવણી હાથ ધરવામા આવી હતી જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા એ કરેલી લેખીત મૌખીક દલીલ તેમજ વિવિધ હાઈકોર્ટઅને સુપ્રિમ કોર્ટના ચુકાદા ટાંકયા અને ફરિયાદી અને મૃતકની પુત્રી, તબીબી એફ.એસ.એલ. અને તપાસનીશ જુબાની લેવામા આવતા કેસની મજબુત સાંકળ બનતા કેસને સજા સુધી પહોચાડવામાં જિલ્લા સરકારી વકીલે કરેલી તર્કબધ્ધ દલીલ ધ્યાને લઈ ન્યાયધીશે વિધવા સ્ત્રી મિત્રની કરપીણ હત્યામાં પ્રેમી રાજેન્દ્ર સરદારીલાલ શેઠને તકસીરવાન ઠરાવી અને સજાનો ચુકાદો મોડી સાંજે સુનાવશે. સરકાર પક્ષે જિલ્લાલ સરકારી વકીલ એસ.કે. વોરા ઉપસ્થિત રહ્યા હતા.