રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ અને અન્ય રમતો જાણે શાપિત થઈ હોય તેમ એક બાદ એક રમતવીરના મોત નિપજી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આજે વધુ એક રમતવીરનું ક્રિકેટ રમ્યા બાદ ઢળી પડ્યા બાદ મોત નીપજતાં પરિવાર સહિત શહેરભરમાં ચકચારી મચી ગઈ છે.
રાજકોટમાં શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા મયૂરભાઈ નટવરભાઈ મકવાણા (ઉં.વ.૪૫)ને અચાનક હાર્ટએટેક આવતાં ઢળી પડતાં ગ્રાઉન્ડ પર દોડધામ મચી ગઇ હતી અને સાથી મિત્રોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારજનોના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી.
આ અંગે ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મયૂરભાઈ આજે રવિવારની રજા હોવાથી મિત્રો સાથે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયા હતા. જોકે ક્રિકેટ રમતાં રમતાં હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. જેથી સાથી ખેલાડીઓએ તેમને બચાવવા અનેક પ્રયાસો કર્યા હતા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, મયૂર રેગ્યુલર ક્રિકેટ મેચ રમવા જતો હતો. તેને કોઈ જાતની બીમારી કે વ્યસન નહોતું. આજે ક્રિકેટ રમતાં રમતાં તેને થોડી ગભરામણ થઈ પણ કોઈને કહ્યું નહીં. તે સ્કૂટર પર બેસી ગયો હતો. બાદમાં અચાનક ઢળી પડ્યો હતો અને ત્યાર બાદ તેમનું મોત નિપજ્યું હતું.
રાજકોટમાં છેલ્લા થોડા સમયથી જાણે રમતવીરો પર ઘાત ચાલતી હોય તેમ રમત રમતા અથવા રમત રમ્યા બાદ તુરંત હાર્ટએટેક આવતા મોત નિપજવાના બનાવ વધી રહ્યું છે. જેમાં એક માસ પહેલાં માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાજકોટ ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્નામેન્ટ ચાલી રહી હતી. જેમાં જીજ્ઞેશ ચૌહાણનું મોત નિપજ્યું હતું . યુવાને ટીમ વતી ૩૦ રનની ઇનિંગ રમી હતી. બાદમાં આઉટ થઈને તે ખુરશી પર બેઠો હતો. ત્યારે જ અચાનક એકસાથે ત્રણ એટેક આવતા તે ખુરશી પરથી ઢળી પડ્યો હતો. બાદમાં ટીમના ખેલાડીઓ હાંફળા ફાંફળા થઈ ગયા હતા અને તેને બચાવવા દોડ્યા હતા. જીજ્ઞેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા મીડિયા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.