અગાઉ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાનુબેન બાબરિયા બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજકોટ શહેરની ચાર બેઠકો પૈકી ભાજપ દ્વારા બે બેઠકો પર મહિલા ઉમેદવારોને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા પાંચ વર્ષ બાદ ફરી વિધાનસભા લડશે. અગાઉ તેઓ 2007 થી 2012 અને 2012 થી 2017 એમ બે ટર્મ સુધી આ બેઠક પર ધારાસભ્ય તરીકે તોતીંગ લીડથી ચૂંટાઇ આવ્યા હોય પક્ષ દ્વારા તેઓ પર ફરી એકવાર વિશ્ર્વાસ મૂકવામાં આવ્યો છે.
અનુસૂચિત જાતિ માટે અનામત એવી 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા વર્તમાન ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની ટિકિટ કાપી નાંખવામાં આવી છે. તેઓના બદલે આ બેઠક પર અગાઉ બે વખત ચૂંટણી લડી વિજેતા બનેલા ભાનુબેન બાબરિયાને ભાજપનું મેન્ડેટ આપવામાં આવ્યું છે.
આ બેઠક પર અગાઉ 2007 થી 2012 સુધી અને 2012 થી 2017 સુધી એમ બે ટર્મમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. દરમિયાન 2017માં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરોને ધ્યાનમાં રાખી ભાજપે આ બેઠક પરથી ઉમેદવારને બદલ્યા હતા અને ભાનુબેનની ટિકિટ લાખાભાઇ સાગઠીયાને ટિકિટ આપવામાં આવી હતી. પક્ષના આ નિર્ણયનો તેઓએ સહર્ષ સ્વીકાર કર્યો હતો. દરમિયાન ગત વર્ષે યોજાયેલી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા ભાનુબેન વોર્ડ નં.1માંથી કોર્પોરેશનની ચૂંટણી લડવા આદેશ આપવામાં આવ્યો હતો. જેને તેઓએ શિરોમાન્ય ગણ્યો હતો. બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા હોવા છતાં તેઓ નગરસેવીકાની ચૂંટણીમાં પણ ઉભા રહ્યા હતા અને વિજેતા બન્યા હતા. મેયર પદ માટે બીજી ટર્મ મહિલા ઉમેદવાર માટે અનામત હોય રાજકોટના ભાવિ મેયર તરીકે તેઓનું નામ ઘણા સમયથી ચર્ચામાં છે. જો કે પક્ષે તેઓને આ પદ કરતા પણ વધુ આપવાનું મન બનાવી લીધું હોય તેમ પાંચ વર્ષના બ્રેક બાદ ફરી વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપી છે.
આ વખતે પ્રચાર-પ્રસાર માટે રાજકીય પાર્ટી અને ઉમેદવારોને બહુ ઓછો સમય મળે તેમ છે. આવામાં ભાજપે રાજકોટ ગ્રામ્ય બેઠક પર અગાઉ બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા ભાનુબેન બાબરિયાને ટિકિટ આપી છે. આ ચહેરો બેઠકમાં આવતા તમામ વિસ્તારો માટે ખૂબ જ જાણીતો છે એટલે પક્ષે બહુ મજૂરી કરવી પડશે નહિ. 2017માં ભાનુબેનની ટિકિટ કાપી લાખાભાઇ સાગઠીયા ભાજપના ઉમેદવાર બન્યા હતા દરમિયાન પાંચ વર્ષ બાદ સમયે પડખું ફેરવ્યું હોય તેમ ભાનુબેન બાબરિયા લાખાભાઇ સાગઠીયાની ટિકિટ કાપી ભાજપના ઉમેદવાર બન્યા છે.