ભડલી રાજવી પરિવારના ધીરુભાઇ ખાચર પંદર દિવસ પહેલાં જ ખેતીના કામ અર્થે ગયા’તા
કરોડોની કિંમતની જમીનના વિવાદના કારણે દુધ મંડળીમાં ઘુસી ચાર શખ્સોએ આડેધડ ફાયરિંગ કરી ઢીમઢાળી દીધું
જસદણ તાલુકાના ભડલી ગામના રાજવી પરિવાર ધીરુભા ગભરુભાઇ ખાચર પર જમીન વિવાદના કારણે ભત્રીજા સહિત ચાર શખ્સોએ આડેધડ ફાયરિંગ કરી હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. રાજકોટના એડવોકેટ અને રાજવી પરિવારના ધી‚ભા ખાચરની હત્યાના પગલે ગામ ફટાફટ બંધ થઇ ગયું હતું. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના પંચવટી સોસાયટી નજીક રહેતા અને રામકૃષ્ણનગરમાં ઓફિસ ધરાવતા ધી‚ભા ગભ‚ભાઇ ખાચર ગત તા.૨૫મી મેના રોજ પોતાના ગામ ભડલી ખેતીના કામ અર્થે ગયા હતા. ગઇકાલે સાંજે બજારમાં ચાલીને જઇ રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વિનાની સ્વીફટકારમાં ચાર અજાણ્યા શખ્સોએ તેમનો પીછો કરતા ઘીરુભા ખાચર દોડીને નજીક દુધ મંડળીની ઓફિસમાં જતા રહ્યા હતા.
ચારેય શખ્સો દુધ મંડળીમાં પાછળ ગયા હતા અને દુધ મંડળીમાં રહેતા તમાને પોતાનો જીવ બચાવી બહાર જતા રહેવાનું કહેતા બધા જતા રહ્યા બાદ ચારેય શખ્સોએ દસેક રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કર્યા બાદ ભાગી ગયા હતા.
ભડલીમાં સરા જાહેર ધીરુભા ખાચરની ફાયરિંગ કરી હત્યા થતા ગામ ફટાફટ બંધ થઇ ગયું હતું. કોઇએ જસદણ પોલીસને જાણ કરતા પી.આઇ. એચ.જી.પલ્લાચાર્ય પોલીસ સ્ટાફ સાથે ભડલી દોડી ગયા હતા અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ધીરુભા ખાચરના પુત્ર જયદીપ ખાચરને પોલીસે હત્યા અંગેની જાણ કરતા તેઓ રાજકોટથી ભડલી પહોચી ગયા હતા. જયદીપ ખાચરની પૂછપરછ દરમિયાન પોતાના કાકાના દિકરા સિધ્ધરાજ સાથે કરોડોની કિંમતની જમીન અંગે અદાવત ચાલતી હોવાથી સિધ્ધરાજ અને તેના સાગરીતોએ ફાયરિંગ કરી હત્યા કર્યાની શંકા વ્યક્ત કરી હતી.
જમીન અંગે કોર્ટમાં કેસ ચાલતો હોવાનું અને દોઢેક વર્ષ પહેલાં સિધ્ધરાજ ખાચર પર ધીરુભાએ ફાયરિંગ કરતા તેઓ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. જામીન પર છુટેલા ધીરુભા ખાચરને ખેતીનું કામ હોવાથી પંદર દિવસ પહેલાં પોતાના ગામ ભડલી ગયાની ભત્રીજાને જાણ થતા તેને હત્યાનો પ્લાન બનાવી ફાયરિંગ કરી ઢીમઢાળી દીધાની શંકા સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. અને મૃતદેહને ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજમાં લાવ્યા છે.
સિધ્ધરાજ ખાચરની સાથે ફાયરિંગ કરવામાં બોટાદના જયદીપ દિલીપ, કાનપરના પૃથ્વીરાજ વાળા હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે. ધીરુભા ખાચર બે ભાઇ અને બે બહેનમાં વચ્ચેટ હોવાનું જાણવા મળે છે. તેઓ પોતાની સાથે હેમ રેડિયોનો વાયરલેશ સેટ રાખતા અને તેના કારણે કુદરીત આપતી સમયે તેઓને સૌ પ્રથમ જાણ થતી હતી. કચ્છના ભૂકંપની પણ તેઓને પ્રથમ જાણ થતા તંત્રનું ધ્યાન દોર્યુ હતું.