આગામી દિવસોમાં સંભવીત આવનાર વાવાઝોડા સમયે બચાવ અને રાહતી આગોતરી તૈયારી અને ચોમાસાની ઋતુ સમયે પ્રિ-મોન્સુન આગોતરા આયોજન સંદર્ભે રાજકોટની કલેકટર કચેરી ખાતે સભાખંડમાં  ગઈકાલે સમિક્ષા બેઠક અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયાના અધ્યક્ષસ્થાને યેાજાઇ હતી.

અધિક નિવાસી કલેકટર પંડયાએ આગામી દિવસોમાં આવનાર સંભવિત વાવાઝોડા સમયે તથા ભારે વરસાદ કે અતિ ભારે પવન ફૂંકાવા સમયે અસરગ્રસ્ત થનાર વિસ્તારમાં જાન-માલની સલામતી અર્થે સુરક્ષિત સ્થળાંતર સાથે સાથે બચાવ અને રાહતના સાધનો તૈયાર રહે તે સુનિશ્ચીત કરવા સાથે  આકસ્મિક સંજોગોને ધ્યાને લઇને તાલુકા કક્ષાએ નિમણુંક કરાયેલ દરેક લાયઝન અધિકારીઓ અને ડિઝાસ્ટર સબંધીત વિભાગો દ્વારા કરાયેલી આગોતરા આયોજનની વિસ્તૃત સમિક્ષા કરાઇ હતી.

અધિક કલેકટર પંડયાએ ચોમાસામાં પણ ભારે વરસાદના કારણે આકસ્મિક સંજોગો ઉપસ્થિત થાય ત્યારે તાલુકા અને ગ્રામ્યકક્ષાએ સલામત પરિવહન માટે વાહનોનું આગોતરૂ આયોજન કરવું, નાના મોટા ડેમ સાઇટના વિસ્તારમાં હેઠવાસના વિસ્તારના લોકોને તથા પશુઓને સાલમત સ્થળે ખસેડવા, તેઓ માટે આશ્રયસ્થાન સુનિશ્ચિત કરવું, ગ્રામ્ય કક્ષાએ તરવૈયાઓની ટુકડીઓ સાથે બચાવ અને રાહતના હોડી-રસ્સા સહિતના સાધનો તૈયાર રાખવા, ભારે વરસાદમાં જોખમી નાળા પુલીયા પાસે સાઇન બોર્ડ તથા પોલીસ કે હોમગાર્ડના જવાનને રાખી સંભવિત જોખમને નિવારવું, ભારે વરસાદના સમયે સંપર્કના માધ્યમો જેવા કે ટેલીફોન-વાયરલેશ સેટ વગેરે તૈયાર રાખવા, સ્ટેટ કે નેશનલ હાઇવે કે એપ્રોચ રોડ રસ્તા પર ઝાડ કપાઇને પડે તેવા સંજોગોમાં વાહન પરીવહન ન અટકે તથા પુર જેવી પરીસ્થીતીમાં સંપર્ક વિહોણા ગામોમાં અનાજ કે ખાદ્ય સામાગ્રીનો પુરવઠો અગાઉથી જ સંગ્રહ કરવા સાથેની વિવિધ બાબતની તકેદારી રાખવા સુચનો કર્યા હતા.

આ બેઠકમાં પ્રાંત અધિકારી  ચરણસિંહ ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જે.ગોહિલ, જીલ્લા આયોજન અધિકારીશ્રી ટોપરાણી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી કામદાર સહિત   જિલ્લાના  વિવિધ સંબંધીત વિભાગોના અમલીકરણ અધિકારીઓ તથા તાલુકાકક્ષાના અધિકારીઓ વિડીયો કોન્ફરસીંગના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.