એડવાન્સ પેમેન્ટ લઈ ફર્નિચરનું કામ નહિ કરનાર કોન્ટ્રાક્ટર સામે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી
શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલ જલારામ પ્લોટ ચારમાં રહેતા અને અમીન માર્ગ પર બાઈક નો શોરૂમ ધરાવતા બિલ્ડરે પોતાના નવા બનતા ફ્લેટ ની અંદર ફર્નિચર કામ અને ઇલેક્ટ્રિક ચીજવસ્તુ ખરીદવા માટે કોન્ટ્રાક્ટરને રૂપિયા 33.17 લાખ એડવાન્સ પેટે આપ્યા હતા જે રૂપિયા કોન્ટ્રાક્ટર એડવાન્સ લીધા બાદ પણ કામ નહીં કરતા બિલ્ડરે કોન્ટ્રાક્ટર વિરોધ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
જલારામ પ્લોટ ચાર માં રહેતા સ્મિત સંજયભાઈ પટેલ (ઉ.વ.29) એ પોતાની ફરિયાદમાં આરોપીમાં તેના નવા ફ્લેટમાં ફર્નિચર કામ કરતા કોન્ટ્રાક્ટર પ્રિયાંક જયેશ અંબાવી (રહે. સેરેનિટી ગાર્ડન,કોસ્મોપ્લેક્સ સિનેમા પાછળ) નુ નામ આપ્યું હતું તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સાડા ત્રણેક વર્ષ પહેલા 150 ફુટ રીંગ રોડ પર કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે આવેલા ધ ટેમ્પલ બિલ્ડીંગમાં 4 બીએચકેનો ફલેટ તેણે ખરીદ કર્યો હતો. જેમાં ફર્નિચરનું કામ કરાવવાનું હોવાથી દોઢેક વર્ષ પહેલા પોતાના આર્કિટેકટનિલ પટેલ અને પ્રણવ ધોળકીયાને નાનામવા રોડ પર આવેલી તેની ઓફિસે મળતા બંનેએ આરોપી પ્રિયંકની ઓળખાણ કરાવી હતી. જેને કિચનના ઈલેકટ્રોનીક સામાન માટે ઓર્ડર આપી રૂા.2.01 લાખ આરટીજીએસથી ચુકવ્યા હતા.
ત્યારબાદ આરોપી પ્રિયંકે કિચનવેર અને ઈલેકટ્રોનીક આઈટમ ઉપરાંત તમામફર્નિચર કામ માટે રૂમ.39.27 લાખનું કવોટેશન આપ્યું હતું. જેની સિકયોરીટી પેટેતેને રૂા.પાંચ લાખ રોકડા આપ્યા હતા. બાદમાં કટકે કટકે રૂા.21.78 લાખ એડવાન્સ પેટે રોકડા આપ્યા હતા. બદલામાં આરોપી પ્રિયંકે પ્લાઈવુડ અને ટાઈલ્સનો થોડો સામાન મોકલ્યો હતો. આ પછી આરોપી પ્રિયંકને આરટીજીએસથી કુલ રૂા.19.95 લાખ ચુકવ્યા હતા. આમ છતાં તે કામ કરતો ન હતો. જેથી તેની સાથે પોતાના વિકેન્ડ હાઉસમાં મુલાકાત કરી હતી.
તે વખતે તેણે માલસામાન ચાર દિવસમાં પહોંચાડવાની ખાત્રી આપી હતી. અન્યથા તમામ રકમ પરત આપવાનું વચન આપ્યું હતું. એટલુ જ નહી સિકયુરીટી પેટે રૂા.6.78, રૂા.19.94 અને રૂા.પાંચ લાખના ત્રણ ચેક આપી નોટરી રૂબરૂ લખાણ પણ કરી આપ્યું હતું. આ રીતે તેણે આરોપી પ્રિયંકને કુલ રૂા.41.73 લાખ ચુકવ્યા હતા જેમાંથી રૂા. 8.56 લાખનો સામાન મોકલ્યો હતો. બાકીના 33.17 લાખ રૂપિયા નહિ ચૂકવતા તેને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.