પરાબજારમાં આશિર્વાદ માર્કેટીંગમાંથી લેવામાં આવેલા હળદર અને ધાણાજીરૂં પાવડરનો નમૂનો ગુજરાત લેબમાં સલામત જાહેર કરાયો હતો, રિ-એનાલીસીસમાં બંને નમૂના પૂણે લેબમાં નાપાસ: ફૂડ વિભાગનો સ્ટાફ જ નમૂના કંઇ લેબમાં પરિક્ષણ અર્થે મોકવામાં આવ્યા હોવાની માહિતી વેપારી સુધી પહોંચાડી દેતો હોવાની શંકા
કોર્પોરેશનની સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરમાં શંકાના આધારે લેવામાં આવતા ખાદ્ય સામગ્રીમાં બેફામ ભેળસેળ કરવામાં આવતી હોવા છતાં નમૂના અમદાવાદની ગુજરાત લેબમાં આશ્ર્ચર્યજનક રીતે પાસ થઇ જાય છે. જો કે, આ સંપૂર્ણ કૌભાંડમાં ફૂડ શાખાનો સ્ટાફ શંકાના દાયરામાં હોવાની પૂરી સંભાવના જણાઇ રહી છે. ગત 31મી માર્ચના રોજ પરાબજાર વિસ્તારમાં આવેલી આશિર્વાદ માર્કેટીંગમાંથી ફૂડ વિભાગ દ્વારા મરચું, હળદર અને ધાણાજીરૂં પાવડરનો નમૂનો લેવામાં આવ્યો હતો.
જેમાં કલરની ભેળસેળ હોવાનું માલૂમ પડતા અંદાજે 4.40 લાખનો 1000 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. હળદર, મરચુ અને ધાણાજીરૂંનું સેમ્પલ અમદાવાદની ગુજરાત લેબમાં મોકલવામાં આવ્યો હતો. આ લેબને રાજ્ય સરકાર દ્વારા પ્રામાણીત કરવામાં આવી છે. ગુજરાત લેબમાં ત્રણેય નમૂનાને સલામત જાહેર કરવામાં આવ્યા હતા અને કલર સહિતની કોઇપણ ચીજવસ્તુની ભેળસેળ ન હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. દરમિયાન અધિકારીઓને શંકા પડતા રિએનાલીસીસ માટે આ ત્રણેય નમૂનાને પુણેની રેફલર ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
જેમાં અગાઉ જ લાલ મરચાનો નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે હળદર પાવડરમાં મકાઇની સ્ટાર્ચ સાથે નોન પરમિટેડ ઓરેન્જ કલર અને બટર યેલો ઓઇલ શોેલ્યુબલ કલરની ભેળસેળ કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. જ્યારે ધાણાજીરા પાવડરમાં પણ નોન પરમિટેડ બટર યેલો ઓઇલ શોલ્યુબલ કલરની હાજરી મળતા નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.
ખાદ્ય સામગ્રીના નમૂના લીધા બાદ કંઇ લેબમાં તેને પરિક્ષણ અર્થે તેને મોકલવામાં આવશે તેને સંપૂર્ણ પણે ગુપ્ત રાખવામાં આવે છે પરંતુ કોર્પોરેશનની ફૂડ શાખાનો સ્ટાફ જ ફૂટેલો હોય તેવું લાગી રહ્યું છે. વેપારીને ત્યાંથી લેવામાં આવેલા નમૂના કંઇ લેબમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. તેની માહિતી વેપારીને પહોંચી દેવામાં આવે છે અને નમૂના સલામત જાહેર થાય તેમ માટે સેટીંગ કરવા સુધીનો વહીવટ સ્ટાફ દ્વારા જ પતાવવામાં આવતો હોવાની શંકા સેવાઇ રહી છે.
વિદુર બ્રાન્ડ ગાયનું ઘી, શુદ્વ ઘી અને એનર્જી પાવડરનો નમૂનો ફેઇલ
શહેરના ગુંદાવાડી શાકમાર્કેટ રોડ પર અરિહંત બિઝનેસ સેન્ટરમાં આવેલા મુકેશભાઇ સોમૈયાની માલિકીના ભાગ્યોદય અનાજ ભંડારમાંથી વિદુર બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન ફોરેન ફેટની હાજરી મળી આવી હતી. જ્યારે મંગળા મેઇન રોડ પર પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસને ત્યાંથી લેવામાં આવેલા શુદ્વ ઘીમાં ફોરેન ફેટ અને તીલ ઓઇલની ભેળસેળ કરવામાં આવતી હોવાનું ખૂલ્યું હતું. જયંત કેેજી રોડ પર વૈદવાડી વિસ્તારમાં અશ્ર્વિનભાઇ પરસોત્તમભાઇ મજેઠીયાની માલિકીના અભિનય સ્ટોર્સમાંથી 50 પ્લાસ એનર્જી પાવડરનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં લેબમાં ન્યુટ્રીશનલ ઇર્ન્ફોમેશન દર્શાવવામાં આવી ન હોવાના કારણે નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો હતો.
એપલ બેસન અને મોતીચુરના લાડુના નમુના લેવાયાં
ગણેશ મહોત્સવના તહેવારને અનુલક્ષીને આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે મોતીચુરના લાડુ અને એપલ બેસનના નમૂના લેવામાં આવ્યા હતા. રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર 19/6ના કોર્નર પર જય બાલાજી ગૃહ ઉદ્યોગમાંથી મોતીચુરના લાડુ, મવડી પ્લોટ શેરી નં.4ના છેડે શિવશક્તિ ગૃહ ઉદ્યોગમાંથી મોતીચુરના લાડુ અને યુનિવર્સિટી રોડ પર જલારામ-4માં મીરા એપાર્ટમેન્ટ શોપ નં.4/5માં મારૂતિ શોપીંગ સેન્ટરમાંથી એપલ બેસનનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.