પારસ દિવાંબતી ઘી અને ગો ફ્રેશ આઇસ કેન્ડીનો નમૂનો પણ પરિક્ષણમાં નાપાસ
રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા અલગ-અલગ ત્રણ ખાદ્ય સામગ્રીના નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર થયા છે. ફરાળી પેટીસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા લોટમાં મકાઇની લોટની ભેળસેળ ખૂલી છે. જ્યારે પારસ દિવાંબતી ઘીમાં પણ ફૂડ મટીરીયલ માનવ જાત માટે ઉપયોગમાં લઇ શકાય તેવું ન હોવાના કારણે નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ધર્મજીવન મેઇન રોડ પર ગીતાનગર શેરી નં.6માં રાજેશભાઇ સરવૈયાના ખોડિયાર કૃપા નામના મકાનમાં શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ નામના ઉત્પાદન સ્થળ પર ફરાળી પેટીસ માટે ઉપયોગ લેવાતા લોટનો નમૂનો લેવાયો હતો. જેમાં મકાઇ સ્ટાર્ચની હાજરી મળી આવતા નમૂનો નાપાસ જાહેર કરાયો છે. જ્યારે ન્યૂ સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આસનદાસ લાલવાણીની શ્રી જય અંબે એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાંથી પારસ દીવાંબતી ઘીનો નમૂનો લેવાયો હતો. જેમાં તપાસ દરમિયાન ફૂડ મટીરીયલ માનવ વપરાશ માટે ઉપયોગમાં ન લઇ શકાય તેવું ડિક્લેરસન કરવામાં આવ્યું ન હોવાના કારણે નમૂનો મિસ બ્રાન્ડ જાહેર કરવામાં આવ્યો છે. સાતમ-આઠમના મેળામાં બોમ્બે ફેમસ પ્રિમીયમ આઇસ્ક્રીમમાંથી ગો ફ્રેશ બ્રાન્ડ આઇસ કેન્ડીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન ઓછા મિલ્ક ફેટ અને ટોટલ સોલીડનું પ્રમાણ ઓછુ હોવાના કારણે નમૂનો સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યો છે.
મોમાઇ અને ખોડિયાર ટી સ્ટોલમાંથી ચાની ભૂકીના નમૂના લેવાયાં
શહેરના લીમડા ચોક વિસ્તારમાં સુદર્શન કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મોમાઇ ટી સ્ટોલ એન્ડ પાન સેન્ટર જ્યારે સદર બજારમાં ખોડિયાર ટી એન્ડ પાનમાંથી લૂઝ ચાની ભૂકીના નમૂના લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. ચાની ભૂકીમાં કલરની ભેળસેળ કરતી હોવાની શંકાના આધારે નમૂના લેવાયા છે. આ ઉપરાંત કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ, કોઠારીયા રોડ અને 80 ફૂટ રોડ પર ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 15 ખાદ્ય સામગ્રીના નમૂનાનું સ્થળ પર ચેકીંગ કરાયું હતું.