- વાહન પાકિંગ બાબતે થયેલી માથાકુટમાં યુવાન પર છરી વડે હુમલો કર્યો તો
- દંપતી સહિત નવને નિર્દોષ છોડી મુકવાનો હુકમ
- ડી.ડી. અને દસ્તાવેજી પુરાવાને આધારે સુત્રધાર કાનજી ઉર્ફે કાનો ડવેરાને સજા તરફ દોરી ગયા અને દંડ ફટકાયો
શહેરમાં આવેલા નવલનગર વિસ્તારમાં ગાડી પાર્ક કરવા મુદ્દે યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં નવલનગર વિસ્તારમાં રહેતા લક્ષ્મણ ઉર્ફે લખન સુરેશભાઈ મેવાડા બાળકોને લઈને પોતાના ભાઈ મારુતિ સુરેશભાઈ મેવાડાના ઘરે ગયા હતા જ્યાંથી મારુતિ મેવાડા પોતાના ભાઈ અને ભત્રીજાઓને મુકવા માટે નવલનગરમાં ગયો હતો તે દરમિયાન ગાડી પાર્ક કરવી હોય પરંતુ ઘર પાસે આડેધડ વાહનો પાર્ક કરેલા હતા જે વાહનો લક્ષ્મણ ઉર્ફે લખન મેવાડા અને મારુતિ મેવાડા વાહનો સાઈડમાં કરતા હતા તે દરમિયાન ઘરની પાછળ રહેતા કાનજી ઉર્ફે કાનો ઉર્ફે લાલો ડાયાભાઈ ડાવેરા નામનો શખ્સ આવ્યો હતો અને અમારા મોટરસાયકલો શું કામ હટાવો છો તેમ કહી ઝઘડો કરી બીભસ્ત ગાળો ભાંડી હતી.
જે બોલાચાલીમાં ઉગ્ર બનેલો કાનજી ઉર્ફે કાનો ઉર્ફે લાલો પોતાના ઘરે ગયો હતો અને છરી સાથે પાછો આવ્યો હતો અને તેની સાથે તેનો ભાઈ સંજય ડાયાભાઈ ડાવેરા, તેની માતા હંસાબેન ડાયાભાઈ ડાવેરા અને પિતા ડાયાભાઈ ભોજાભાઇ ડાવેરા તેમજ નાગજી મોમભાઈ વરૂ ધસી આવ્યા હતા અને જે વખતે બોલાચાલી થતા આરોપી સંજય ડાવેરાએ મારુતિ મેવાડાને પકડી રાખ્યો હતો અને આરોપી કાનજી ઉર્ફે કાનો ઉર્ફે લાલા બોરીચાએ છરી વડે હુમલો કરી મારુતિ મેવાડાને પેટ અને પીઠના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. અને બાદમાં હુમલાખોર શખ્સે લક્ષમણ ઉર્ફે લખન મેવાડા ઉપર છરી વડે હુમલો કર્યો હતો. અને તેની સાથે આવેલા શખ્સોએ હુમલાખોર કાનજી ઉર્ફે કાનો ઉર્ફે લાલો ડાવેરાને ઉશકર્યો હતો.
હુમલામાં ઘવાયેલા બંને ભાઈઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મૃતક મારુતિ સુરેશભાઈ મેવાડાનું એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટ દ્વારા મરણોન્મુખ નિવેદન લેવામાં આવ્યું હતું અને તપાસ કરનાર અધિકારી દ્વારા પીએમ કરનાર ડોક્ટર પાસેથી મૃતકનો પીએમ રિપોર્ટ અને હોસ્પિટલના સારવાર કરનાર તબીબ પાસેથી ઇજા પામનારના સર્ટિફિકેટ તપાસના કામે કબજે લેવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન આરોપીઓ વિરુદ્ધ પૂરતો પુરાવો હોય તેઓ દ્વારા કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. જે કેસ ચાલવા ઉપર આવતા પ્રોસીક્યુશન તરફથી 26 શહેરની સોગંદ ઉપર કોર્ટ સમક્ષ જુબાની લેવામાં આવેલ હતી જેમાં મુખ્ય સાહેદો, ફરિયાદી, ઈજા પામનાર, પીએમ કરનાર ડોક્ટર, સારવાર કરનાર ડોક્ટર અને મૃતકનો મરણોન્મુખ નિવેદન લેનાર મેજિસ્ટ્રેટ તેમજ પોલીસ સાહેદોની સહિતનાની જુબાની લેવાયેલ હતી.
પ્રોસીક્યુશન તરફથી કુલ 39 દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી રાજકોટના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક જજે આરોપી સંજય ડાયાભાઈ ડાવેરા, તેની માતા હંસાબેન ડાયાભાઈ ડાવેરા, પિતા ડાયાભાઈ ભોજાભાઇ ડાવેરા, નાગજી મોમભાઈ વરૂ ભાવેશ ભવાન ચૌહાણ, કારણસિંહ ઉકાજી રાઠોડ, કુલદીપ વિનુદાસ મેસવાણીયા, કિરણ દિનેશભાઇ પટેલને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુક્યાં છે. જ્યારે હત્યા કેસના સૂત્રધાર કાનજી ઉર્ફે કાનો ઉર્ફે લાલો ડાવેરાને કોર્ટે મહાવ્યથા, હત્યાની કોશિશ અને હત્યા કેસમાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.50 હજારનો દંડ ન ભરે તો વધુ બે માસની સજા ફટકારતો હુકમ કર્યો છે. સરકાર પક્ષે એપીપી કમલેશભાઈ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા.