મેયર સહિતના પાંચેય પદાધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ અને મ્યુનિ.કમિશનરની સાતેય યુનિયનના હોદેદારો સાથેની બેઠક રહી સફળ: કર્મચારીઓએ કાળી પટ્ટી ઉતારી લીધી, કાલે માસ સીએલ સહિતના તમામ કાર્યક્રમ હવે રદ્

પડતર માંગણીઓના પ્રશ્ર્ને કોર્પોરેશનના સાતેય કર્મચારી યુનિયન દ્વારા તંત્ર સામે આંદોલનનું હથિયાર ઉગામવામાં આવ્યું હતું. બે વખત અધિકાર યાત્રા યોજાઇ હતી અને આજે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન આજે બપોરે કોર્પોરેશનના પદાધિકારીઓ અને મ્યુનિ.કમિશનર દ્વારા યુનિયનના નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જે સફળ રહી છે. 70 ટકાથી વધુ માંગણીઓનો સ્વિકાર કરી લેવામાં આવતા યુનિયનના હોદ્ેદારોએ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી. કર્મચારીઓએ કાળી પટ્ટી ઉતારી લીધી હતી. આવતીકાલે આપવામાં આવેલા માસ સીએલ સહિતના તમામ કાર્યક્રમો રદ્ કરી દેવામાં આવ્યા છે.

પડતર માંગણી પ્રશ્ર્ને છેલ્લા ઘણાં સમયથી કોર્પોરેશનના કર્મચારીઓ આંદોલન ચલાવી રહ્યા છે. આજથી આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવ્યું હતું. કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર પોકાર્યાં હતાં. આવતીકાલે જનરલ બોર્ડના દિવસે જ કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરી જવાની જાહેરાત કરી હતી. દરમિયાન આજે બપોરે મેયર ડો.પ્રદિપ ડવ સહિતના કોર્પોરેશનના પાંચેય મુખ્ય પદાધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ કોર્પોરેશનના સાતેય યુનિયનના હોદ્ેદારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં કર્મચારીઓની 70 ટકાથી વધુ માંગણીઓનો સ્વિકાર કરી લેવામાં આવ્યો હતો. જ્યારે બાકીની 30 ટકા માંગણી પણ સંતોષાય તે માટે ખાતરી આપવામાં આવી હતી. બેઠક સફળ રહ્યા બાદ સાતેય યુનિયન દ્વારા એવી સંયુક્ત જાહેરાત કરવામાં આવી હતી કે પડતર માંગણી પ્રશ્ર્ને ચાલતું આંદોલન હવે સમેટી લેવામાં આવ્યું છે. કર્મચારીઓએ કાળી પટ્ટી ઉતારી લીધી હતી. દરમિયાન આવતીકાલે આપવામાં આવેલો માસ સીએલનો કાર્યક્રમ પણ રદ્ કરી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.