• ટેમ્પરરી ડોમનું નિર્માણ કરવા માટે ફાયર NOC ને માંગી લાંચ 
  • ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો
  •  ACBએ આરોપીને રંગેહાથ ઝડપ્યો 

Rajkot : રાજ્યભરમાં તંત્રએ લાંચિયાઓ સામે લાલ આંખ કરી છે. લાંચ આપતા કે લેતા વ્યક્તિઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. TRP અગ્નિકાન્ડ બાદ NOC મામલે હાલમાં રેસકોર્સ ખાતે ચાલતાં પ્રોપર્ટી એકસ્પોમાં સ્ટોલની ફાયર NOC અપાવવા બાબતે વચેટીયો કૌશિક પીપોતરા 30 હજારની લાંચ લેતા ઝડપાયો છે. ગઈકાલે મોડી સાંજે જામનગર ACBની ટીમે ખાનગી કંપનીના કર્મચારીને નાણાવટી ચોક પાસેથી રંગેહાથ ઝડપી લીધો હતો.

સમગ્ર ઘટનાની વિગત મુજબ, રાજકોટમાં રેસકોર્ષમાં ચાલી રહેલ પ્રોપર્ટી એક્સપો 2024 માટે ફરિયાદીને ટેમ્પરરી ડોમનું નિર્માણ કરવાનું હોય જે માટે ફાયર NOC મેળવવા માટે આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, પોતાને રાજકોટ ફાયર વિભાગમાં NOC એપ્રુવ કરનારા અધીકારીઓ સાથે સંબંધ છે અને ફરિયાદીને જો NOC મંજૂર કરાવવી હોય તો તેણે કાયદેસરની ફી સહિત 30 હજાર રૂપિયા તેમને ચુકવવા પડશે જેથી કોર્પોરેશનના ફાયર વિભાગમાં નાણાકીય વ્યવહાર કરી કામ કરાવી આપશે.

આ બાબતે ફરીયાદી લાંચની રકમ આપવા ન ઇચ્છતા હોવાથી તેમણે ACBનો સંપર્ક કરતા ડીવાયએસપી કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પીઆઈ આર.એન.વિરાણી અને ટીમે નાણાવટી ચોક પાસે ટ્રેપ ગોઠવી હતી અને ફરિયાદીએ આરોપીને લાંચની રકમ રૂપિયા 30 હજાર આપતાની સાથે જ એસીબીની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી પાડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.