યુનિવર્સિટી અને કોલેજોના યુજીના બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરીડ બેઈઝડ પ્રોગ્રેશનનો લાભ આપ્યા બાદ હવે બાકીના જુદા જુદા કોર્ષની પરીક્ષા અંગે ઓનલાઈન-ઓફલાઈન પરીક્ષાનો ફેંસલો આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમીક કાઉન્સીલમાં લેવામાં આવશે. સરકારે કોરોનાની મહામારીમાં દરેક યુનિવર્સિટીને ઓફલાઈન પરીક્ષા લેવાની મનાઈ ફરમાવતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાકી રહેતી પરીક્ષા ઓનલાઈન યોજશે કે કેમ ? તેના પર પણ પ્રશ્ર્નાર્થ છે. જો કે અન્ય યુનિવર્સિટીની સાપેક્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પણ સંખ્યા વધુ હોય ત્યારે યુજી છેલ્લા અને પીજીના વિદ્યાર્થીઓની પરીક્ષા કઈ રીતે યુનિવર્સિટી લેશે તે જોવું રહેશે.
50 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમીક કાઉન્સીલની મીટીંગ
સરકાર કોરોના મહામારીમાં દરેક યુનિવર્સિટીને ઓફલાઈન પરીક્ષા લેવાની મનાઈ ફરમાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે બાકી રહેતી પરીક્ષા ઓનલાઈન યોજશે ?: અનેક પડકાર
ઓનલાઈન પરીક્ષા લેવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે અનેક પડકારો ઉભા છે. જો કે બીજીબાજુ વાત કરવામાં આવે તો અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એકપણ વાર ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી નથી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જો ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરશે તો આ પ્રથમવાર બનશે અને આ વખતે ઓનલાઈન પરીક્ષા યુનિવર્સિટી માટે પડકારજનક બની જશે. કેમ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 232થી વધુ કોલેજો તેમજ 50,000થી વધુ વિદ્યાર્થીઓના 300થી વધારે વિષયોના ઓનલાઈન પેપર બનાવવા, વિદ્યાર્થીઓ માટે સગવડ પૂરી પાડવી આ ઉપરાંત નેટવર્કના પણ એટલા જ ઈસ્યુ, ઓનલાઈન પરીક્ષામાં ચોરીની પણ બીક સહિતના આ તમામ પ્રશ્ર્નો ઓનલાઈન પરીક્ષા લેવા માટે પડકારરૂપ છે.
ગત વર્ષે મહામારી હોવા છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવામાં આવી હતી. જો કે હવે સરકારના આદેશ મુજબ ઓફલાઈન પરીક્ષામાં મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે, આ પરિપત્ર સરકારે 15 દિવસ અગાઉ જાહેર કર્યો હતો. હવે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે ત્યારે ઓનલાઈન-ઓફલાઈન પરીક્ષાના આ ફેંસલાની આજે એકેડેમીક કાઉન્સીલમાં થશે તેની સૌ કોઈ રાહ જોઈ બેઠા છે.
ઓનલાઈન પરીક્ષા યુનિવર્સિટી માટે કસોટી: ડો.નિદત બારોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોંગી અગ્રણી અને સેનેટ સભ્ય ડો.નિદત બારોટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા લેવી તે અંગે આજે યુનિવર્સિટી નકકી કરવાની છે. જો કે ઓનલાઈન પરીક્ષા યુનિવર્સિટી માટે કસોટીરૂપ સાબીત થશે. આ માટે યુનિવર્સિટી સામે ઘણા બધા પ્રશ્ર્નો ઉભા છે. જેમાં વિદ્યાર્થીઓને અગાઉ ઓનલાઈન પરીક્ષા અંગે જાણ કરવી, વિદ્યાર્થીઓ પાસે ટેકનીકલ સપોટ છે કે નહીં તેની માહિતી મેળવવી, ઓનલાઈન પરીક્ષા કઈ રીતે લેવી, કેટલા વિષયોના પેપર કાઢવા, 100 ટકા ઓપશનથી પેપર કાઢવું કે કેમ ? આવા અનેક પ્રશ્ર્ન યુનિવર્સિટી સામે ઉભા છે. ત્યારે આ વખતની પરીક્ષા યુનિવર્સિટી માટે પણ ખરી કસોટીરૂપ સાબીત થશે. જો કે, બીજીબાજુ જે કોર્ષમાં ઓછા વિદ્યાર્થીઓ છે તેની પરીક્ષા પણ ઓફલાઈન લઈ જ શકાય.
યુનિવર્સિટી ઓનલાઈન કે ઓફલાઈન બન્ને પરીક્ષા લેવા સજ્જ: ડો.મેહુલ રૂપાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુભવી સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ ઓનલાઈન-ઓફલાઈન પરીક્ષા લેવી કે કેમ ? તે મુદ્દે આજે એકેડેમીક કાઉન્સીલમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જો કે, અગાઉ યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા ક્યારેય લીધી નથી. તેમ છતાં યુનિવર્સિટીના અધિકારી કે કર્મચારીઓ ઓનલાઈન-ઓફલાઈન બન્ને પરીક્ષા લેવા માટે સજ્જ છે. આજે જે નિર્ણય કરવામાં આવશે ત્યારબાદ ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા કઈ રીતે લેવી તેનું પુરતુ પ્લાનીંગ અમારી પાસે છે અને વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન ઓફલાઈન પરીક્ષામાં મુશ્કેલી ન પડે તેની અમારી પુરતી તૈયારી છે.
ઓનલાઈન પરીક્ષા વિદ્યાર્થીઓને કારકિર્દી માટે નુકશાનકારક: રોહિત રાજપુત (રાજકોટ એનએસયુઆઈ પ્રમુખ)
રાજકોટ જિલ્લાના એનએસયુઆઈ પ્રમુખ રોહિત રાજપુતે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોરોનાની મહામારી વચ્ચે ઓનલાઈન-ઓફલાઈન પરીક્ષા લેવા મુદ્દે હજુ કોઈ નિર્ણય કરી શકી નથી ત્યારે વિદ્યાર્થીની કારકિર્દીનો સવાલ છે ત્યારે ઓનલાઈન પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક છે પરંતુ વિદ્યાર્થીના ભવિષ્યની જો વાત કરીએ તો કારકિર્દી માટે નુકશાનકારક સાબીત થઈ શકે તેમ છે. કેમ કે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં બીજી અન્ય કોઈ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા સમયે જો ઓનલાઈન પરીક્ષા આપી હશે તો તેને પ્રવેશમાં માન્ય રાખવા માટે મુશ્કેલી થશે. માટે યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતમાં આજે નિર્ણય કરે તેવી અમારી માંગ છે.
ઓનલાઈન પરીક્ષા લેવાની પૂર્વ તૈયારીમાં 1 મહિનાનો સમય જરૂરી: ડો.નિલેશ સોની (પરીક્ષા નિયામક)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા એ નિર્ણય લેવાયો છે કે, તમામ યુનિવર્સિટીએ હાલ ઓનલાઈન પરીક્ષા લેવી. ત્યારે યુનિવર્સિટીના 50,000થી વધુ વિદ્યાર્થીઓ માટે જો ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવે તો આ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે પરીક્ષા વિભાગને એક મહિનાથી વધુનો સમય લાગશે. કેમ કે, યુનિવર્સિટીએ 300થી વધુ વિષયના પેપર કાઢવા, વિદ્યાર્થીઓને જાણ કરવી, વિદ્યાર્થી પાસે ટેકનીકલ સીસ્ટમ પુરતી છે કે કેમ ? તેની માહિતી મેળવવી, પેપર સ્ટાઈલ કઈ રીતે કાઢવી જેવા આ તમામ પડકારો છે. જો કે આ તમામ પડકારો વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓનલાઈન ઓફલાઈન બન્ને પરીક્ષા લેવા સજ્જ છે.