માલવીયા સર્કલને ડેવલપ કરવાનો કોન્ટ્રાક્ટ ‘અબતક’ મીડિયા હાઉસને સોંપતું કોર્પોરેશન
શહેરના હાર્દસમા વિસ્તાર એવા યાજ્ઞિક રોડ પર આવેલા માલવીયા ચોકને ‘અબતક’ મીડીયા હાઉસ દ્વારા ડેવલપ કરવામાં આવશે. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના અલગ-અલગ 13 સર્કલોને જનભાગીદારીથી ડેવલપ કરી પાંચ વર્ષ માટે નિભાવ અને મરામત કરવાનો કોન્ટ્રાક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. શહેરીજનો માટે માલવીયા ચોક એક નયનરમ્ય નજરાણું બની રહે તે રીતે સર્કલને ડેવલપ કરવામાં આવશે.
કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.7માં આવેલા માલવીયા ચોકને પીપીપીના ધોરણે જનભાગીદારીથી ડેવલપ કરવાનો કોન્ટ્રાક્ટ પ્રસિદ્વ સાંધ્ય દૈનિક ‘અબતક’ને સોંપવામાં આવ્યો છે.
આ સર્કલને ‘અબતક’ દ્વારા રાજકોટની શાનમાં વધારો થાય તે રીતે ડેવલપ કરવામાં આવશે અને પાંચ વર્ષ માટે નિભાવ તથા મરામત કરાશે આટલું જ નહિં એક સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ‘અબતક’ દ્વારા પ્રતિવર્ષ પ્રિમિયમ પેટે રાજકોટ મહાનગર પાલિકાને માતબર રકમની ચૂકવણી કરવામાં આવશે અને તેમાં પ્રતિવર્ષ 10 ટકાનો વધારો કરાશે. ટૂંક સમયમાં માલવીયા ચોકને ડેવલપ કરવાની કામગીરી ‘અબતક’ દ્વારા શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આકાશવાણી સર્કલ, જેટકો ચોકડી, ગોવર્ધન ચોક, પંચાયત ચોક, પુનિતનગર સર્કલ, વગડ ચોકડી, ચૌધરી હાઇસ્કૂલ ચોક, જલારામ ચોક, સ્વામીનારાયણ ચોક, આજીડેમ સર્કલ, નંદાહોલ ચોક, અને પટેલ ચોકને જનભાગીદારીથી ડેવલપ કરવામાં આવશે.