આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ એક વિડિયો શેયર કરી ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે જે અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને ભાજપ પ્રદેશ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજે જણાવ્યું હતું કે, ગુજરાતનાં રાજકારણમાં આમ આદમી પાર્ટી આજકાલની આવી નથી. પહેલાં પણ હતી, વર્ષોથી છે પરંતુ છેલ્લા કેટલાંક સમયથી તેમાં હિન્દુત્વ વિરોધી 4 અરાજકતાવાદી અને વ્હાઈટકોલર ક્રિમીનલ લોકોના પ્રવેશથી રાજ્યની શાંતિ તેમજ સલામતી જોખમાઈ છે. ગુનાઇત ઈતિહાસ ધરાવતા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં સમગ્ર પક્ષ ગુજરાતમાં અરાજકતાનું વાતવરણ ઉભુ કરી રહી છે.
“આપ” નેતા ઈશુદાન ગઢવીનું કહેવું છે કે, મને મારી નાખવાનું ષડયંત્ર ભાજપના કેટલાક ગુંડાઓ રચ્યું હતું ભાજપના ગુંડાઓએ કેટલીક જગ્યાએ જાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. અને હુમલો કરવાના ષડયંત્ર રચી રહ્યા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. આ પ્રકારની ઈશુદાન ગઢવીની વાત તદ્દન ખોટી છે. જૂનાગઢમાં બનેલી ઘટનાનાં વીડિયોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં લોકો જોઈ શકાય છે. જનતા મુર્ખ નથી. ઈશુદાન ગઢવીએ હવે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના અન્ય રસ્તાઓ શોધી કાઢવા વિશે મહામંથન કરવું જોઈએ. હવેનાં સમયમાં પોતાના ઉપર જ હુમલાઓ કરાવી, પોતાની જાન જોખમમાં છે તેવું કહી, અન્ય પર આક્ષેપ કરી લોકોની સહાનુભૂતિ મેળવી શકાતી નથી. પ્રજા નીર-ક્ષિરનો ભેદ પારખતી થઈ ચૂકી છે.
ભંડેરી-ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢમાં ત્રણ દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના આગેવાનો પર જે હુમલો થયો હતો તે ભાજપના લોકોએ નહીં પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગુંડાઓએ જ કરેલો હતો. કોંગ્રેસની બી ટિમ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કાર્ય કરી રહી છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે મળીને ભાજપને બદનામ કરવા સામે ચાલીને પોતાના પર હુમલાઓ કરાવી રહી છે.
ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા નિમ્ન કક્ષાની રાજનીતિ અને દાવપેચ રમીને ભાજપને પછાડવા નીકળ્યા છે, લોકશાહીમાં સૌને વિરોધ કે દેખાવ કરવાનો અધિકાર છે પરંતુ ભાજપને પછાડવાના ચક્કરમાં આમ આદમી પાર્ટીનાં નેતાઓ ગુજરાતની ભોળી જનતાને હથિયાર બનાવશે કે ગુજરાતમાં તોફાનો અને રમખાણો કરશે એ ચલાવી નહીં લેવામાં આવે.
આમ આદમી પાર્ટીનાં નેતાઓ ગુજરાતમાં પણ હવે કેજરીવાલ સ્ટાઈલથી પ્રસિદ્ધિ મેળવવા સામે ચાલીને પોતાને જ નિશાન બનાવી રહ્યા છે. ભૂતકાળમાં ગોપાલ ઈટાલીયાએ નાયબ મુખ્યમંત્રીને ફોન કરી કોલ રેકોર્ડ કરેલો અને ગૃહમંત્રી ઉપર જોડું ફેકેલું. હવે તેઓ પોતાના પર હુમલા કરાવે છે. ઈશુદાન ગઢવી ભલે વારવાર ઈશ્વરની સોંગદ ખાતા ફરે પણ બીજી તરફ તેમના સાથી ગોપાલ ઈટાલીયા જ ઈશ્વર અને હિંદુ ધર્મને ગાળો આપે છે. વળી પાછા બંને હિન્દુત્વના નામે રાજનીતિ રમવા મંદિરો-મંદિરોમાં ચક્કર લગાવે છે. ગુજરાતની પ્રજા શાણી–સમજુ છે. ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા જેવા નાટકબાજો ગુજરાતમાં ક્યારેય સફળ થઈ નહીં શકે. આપ નેતાઓના હિંદુ ધર્મ અને સંસ્કૃતિ વિરુદ્ધના વિવિધ નિવેદનોને અમે પણ સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.