રૂ.50ની ઉઘરાણી કરી બે મિત્રોએ જ મિત્ર પર ખૂની હુમલો કર્યો: બે આરોપી સંકજામાં

શહેરમાં કાયદો અને વ્યસ્થાની સ્થિતિ પર જાણે કોઈ રોપ લગાવવા વાળુ ના હોય તેમ દિનપ્રતિદિન હત્યા, હત્યાની કોશિશ, લૂંટ અને મારામારીની ઘટનાઓમાં બેફામ વધારો થયો છે. ત્યારે ગઇ કાલે બાપુનગર મેઇન રોડ પર માટે રૂ.50ની ઉઘરાણી મામલે મિત્રએ જ મિત્રને છરીના 10 ઘા ઝીંકી દેતા યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તે સિવાય પણ શહેરમાં બે સ્થળોએ સામાન્ય મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ પર આવેલા તુલસીપત્ર નિવાસ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા હિતેશભાઈ લાલજીભાઈ મકવાણા નામના 46 વર્ષના આધેડે ફરિયાદમાં તેમના પુત્ર ધ્રુવ મકવાણા (ઉ.વ.19)ના મિત્ર જીગર ઉર્ફે રઘુ નરેશભાઈ ટાંક અને ફરીદ હારુનભાઈ તરિયાનું નામ આપતા બંને સામે હત્યાનો પ્રયાસ,હુમલો અને જીપીએકટ હેઠળ ગુનો નોંધી ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયા,રાઇટર નિલેશભાઈ મકવાણા અને હિરેનભાઈ પરમાર સહિતના સ્ટાફે બંનેને સકંજામાં લઈ પૂછપરછ આદરી છે.

આ અંગે પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ હિતેશભાઈએ પોતે લુહારી કામ કરે છે તેમજ તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેમાં પુત્ર ધ્રુવ જે સૌથી નાનો છે અને ફર્નિચરનું કામ કરે છે. ધ્રુવ અને તેમના મિત્રો જિલ્લા ગાર્ડન પાસે આવેલા બાપુનગર શિવ કાંટાની સામે બગીચાની અંદર બેઠા હતા. ત્યારે ધ્રુવે તેના મિત્ર જીગર પાસેથી રૂ.50 ઉછીના લીધા હોય તે રૂપિયાની ઉઘરાણી ધ્રુવ પાસે આરોપી જીગરે કરતા ધ્રુવે રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. જેથી જીગર અને તેની સાથેના ફરીદ નામના શખ્સે ધ્રુવને ગાળો આપી બોલા ચાલી કરી ઝઘડો કર્યો હતો.

ત્યારબાદ જીગરે છરી કાઢી અને આરોપી ફરીદે ધ્રુવને પકડી રાખ્યો હતો અને જીગરે છરીથી ધ્રુવને પેટના ભાગે, ડાબા પડખે અને હાથના ભાગે આડેધડ 10 જેટલા ઘા ઝીંકી દેતા ધ્રુવ લોહી લુહાણ હાલતમાં બગીચામાં જ ઢળી પડ્યો હતો અને આરોપીઓ નાસી ગયા હતા. ત્યારબાદ ધ્રુવને કોઈએ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસના પીઆઇ એ.એમ.સરવૈયા અને સ્ટાફે બંને આરોપીને મોડી રાત્રે સકંજામાં લઈ પૂછતાછ આદરી હતી.જ્યારે અન્ય બનાવોમાં ધરમનગર ક્વાટરમાં રહેતા દીક્ષાંતભાઇ વ્રજલાલ થાનકી નામના 52 વર્ષીય પ્રૌઢને સ્વપ્ન રેસીડેન્સી પાસે સાગર નામના શખ્સે માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. ઇજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય બનાવમાં બેટી ગામ પાસે ફાળદંગ વાડીએ રતનબેન અજયભાઈ ચારોલિયા પર સાંજે કાળુ, માલું જલા અને દિનેશ સહિતના અજાણ્યાએ પાઈપથી માર માર્યાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.