રાજકોટમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોઈ તેમ દીન પ્રતિદિન મારામારીની ઘટનાઓ બનવા પામી છે.ત્યારે ગઈકાલે ભગવતીપરા વિસ્તારમાં વિજયવન સોસાયટીમાં રહેતા યુવાન પર તેના પાડોશમાં રહેતા ત્રણ મહિલા સહિત આંઠ શખ્સો દ્વારા ધોકા,છરી અને તલવાર વડે જીવલેણ હુમલો કરી માર મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.જેથી યુવકે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ઘરમાં ઘૂસી ત્રણ મહિલા સહિત આઠ શખ્સોએ મારમારી કરી ઘરમાં તોડફોડ કરતા નોંધાતો ગુનો : યુવાન ગંભીર રીતે ઘવાતા સારવારમાં ખસેડાયો
વિગતો મુજબ શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં વિજયવન સોસાયટીમાં રહેતા કેવલ શૈલેષભાઈ પીપળીયા નામના 30 વર્ષના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં તેના પાડોશમાં રહેતા આદિલ હનીફભાઇ સોઢા,શાહરૂખ હનીફ સોઢા,જાવેદ હનીફ સોઢા,મહમદ સિદ્દીકી ધડકાઈ, રૂહાન આદિલ સોઢા,રેશમા જાવેદ સોઢા,અક્ષા સિદ્દીકી ધડકાઈ અને શબાના ઉર્ફે ડાડન ઈકબાલભાઈ મીયાણાના નામો આપ્યા હતા.જેમાં તેમાં જણાવ્યું હતું કે,
તે માધાપર ચોકડી પાસે ઇડાની લારી રાખી વેપાર કરે છે. ગઈકાલે સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે તે તેના ઘરે હતો ત્યારે તેની માતા રંજનબેન તથા બહેન જ્યોતી નીચેના માળે હતા અને તેમજ ફઇની દિકરી પીયુ તેના ઘર પાસે બહાર હતી.ત્યારે તેના પાડોશમાં રહેતા રેશમાબેન જાવેદભાઇ સોઢા તથા અફસાનાબેન સીદીકભાઇ ધડકાઇ તથા શબાનાબેન ઉર્ફે ડાડણ ઇકબાલભાઇ મીયાણા એમ ત્રણેય તેના ઘરમા આવેલ અને તેની બેન તેમના ઘર સામે કેમ જોવે છે તે બાબતે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો.અને લાકડાના ધોકો સાથે શાહરૂખ હનીફ સોઢા તથા જાવેદ હનીફ સોઢા તેઓના હાથમા છરી સાથે તથા આદીલ હનીફભાઇ સોઢા તલવાર સાથે તથા મહમદ સિદીક ધડકાઇના લોખંડના પાઇપ સાથે તથા રૂહાન આદીલ સોઢા ધોકો સાથે મારા ઘરની અંદર આવી માર માર્યો હતો.જેમાં આ યુવકને ઈજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા જ ડી ડિવિઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને યુવકની ફરિયાદ પરથી બી-ડિવિઝનના પી.આઈ. બારોટ દ્વારા હત્યાની કોસિસનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથધરી છે.