માતાજીના માંડવાની તૈયારી કરી રહેલા યુવાનને બચાવવા જતાં પ્રૌઢને પણ કરંટ લાગ્યો: હાલત ગંભીર
રાજકોટમાં આજી વસાહત વિસ્તારમાં મેલડી માતાજીના માંડવાનું અને ધજા રોહણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદિર પર લાગેલા ધજાના પાઇપને ઉતારતી વખતે યુવાનને વીજશોક લાગતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે તેને બચાવવા જતાં પ્રૌઢને પણ કરંટ લાગતા તેની પણ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ખોડીયારપરા આજી વસાહત વિસ્તારમાં મેલડી માતાજીના માંડવા સાથે ધજા રોહણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી તે જ વિસ્તારમાં રહેતો રવિરાજ શિવકુભાઈ સોનારા નામનો 19 વર્ષીય યુવાન ત્યાં મદદ કરાવતો હતો. તે દરમિયાન રવિરાજ મંદિર પર રહેલી ધજાનો પાઇપ ઉતારી રહ્યો હતો. તે દરમિયાન ધજાનો પાઇપ ત્યાંથી વૃક્ષમાંથી પસાર થઈ રહેલા વીજતારને અડી જતાં યુવાનને શોક લાગ્યો હતો.
વીજશોક લાગતાની સાથે જ રવિરાજ ઢળી પડ્યો હતો જેથી ત્યાં હાજર રહેલા લખધીરસિંહ બળવંતસિંહ જાડેજા નામના 45 વર્ષીય આધેડ તેમને બચાવવા જતા તેને પણ ઝટકો લાગ્યો હતો. જેથી બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે રવિરાજ સોનારાને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે આધેડની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઈ એચ.એન.ગઢવી સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક રવિરાજ સોનારા એક ભાઈ અને એક બહેનમાં મોટો હોવાનુ અને તેની સગાઈ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.