પાંચેક માસથી પેટીયુ રળવા આવેલા પરપ્રાંતિય પરિવારની સગીરાની ભાળ મેળવવા પોલીસમાં દોડધામ
આજી ડેમ પાસેથી ગતરાતે આશરે 15 વર્ષની તરૂણીનું બાઇક પર આવેલા પાંચ જેટલા શખ્સોએ અપહરણ કર્યાની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાતા અપહરણકારની ભાળ મેળવવા ક્રાઇમ બ્રાન્ચ અને આજી ડેમ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના જામ્બુવા જિલ્લાના વતની અને છ માસ પહેલાં જ રાજકોટ ખોખડદડ નદીના પુલ પાસે ગોરધન હોટલ પાસે રહી મજુરી કામ કરતા ભીલજીભાઇ ઉર્ફે મિલજીભાઇ મન્નાભાઇ ડામોર ગતરાતે પોતાના પરિવાર પાસે પોતાના ઘરે હતા ત્યારે જુદા જુદા બે બાઇક પર આવેલા પાંચ શખ્સોએ ભીલજીભાઇ ઉર્ફે મિલજી ડામોરની 15 વર્ષની તરૂણ વયની પુત્રીનું અપહરણ કરી ભાગી ગયાની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.મધ્યપ્રદેશના ધાર ગામના સોહન જેલુ પવાર નામના શખ્સ સહિત પાંચ શખ્સો સામે અપહરણનો ગુનો નોંધાયો છે. બંને વચ્ચે પ્રેમ પ્રકરણ છે કે અન્ય કોઇ ઇરાદે અપહરણ કર્યુ છે તે અંગે આજી ડેમ અને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.