- પાલક માતા – પિતાનું ત્રૃંણ ચૂકવવા અંગેની સંવેદના ભરી ચિઠ્ઠી લખી ગુમ થતા પોલીસે નોંધ્યો અપહરણનો ગુનો
- 10 માસ પૂર્વે જ સરકારી અધિકારી દંપતીએ તરૂણીનો કબ્જો મેળવી પોતાની બાળકીની જેમ ઉછેર કર્યો તો
રાજકોટમાં એરપોર્ટ રોડ વિસ્તારમાં રહેતા અને સરકારી કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા દંપતિએ એક તરૂણીને પોતાનાં ઘરમાં આશરો આપી પુત્રીની જેમ ઉછેર કર્યો હતો તે જ પુત્રી પોતે આત્મનિર્ભર બનવા માત્ર ગઈકાલે ગૃહ ત્યાગ કરી એક સંવેદના ભરી ચિઠ્ઠી લખી ઘરેથી ચાલી ગઈ હતી.બનાવની જાણ દંપતીને થતા તેને આ બનાવની જાણ પોલીસને થતાં ગાંધીગ્રામ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
બનાવ અંગેની મળતી માહિતી મુજબ મહિલા અધિકારીએ અને તેના પતિ થોડા સમય પહેલા સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને પુસ્તકો વગેરેની મદદ કરે છે. અને ત્યારે તેને તરુણી પરીચયમાં આવી હતાં. ગઈ તા. 21.9.2021નાંરોજ રાત્રે તે તરૂણી ઘરેથી ભાગીને તેમનાં ઘરે આવી હતી અને આવીને કહ્યું કે, તેના પિતાનું અવસાન થયું છે. માતાએ બીજા લગ્ન કરી લીધા છે. જેથી હાલ પોતાનાં કાકા સાથે રહે છે.
જે લોકો તેને હેરાન પરેશાન કરે છે. એટલું જ નહીં નાની ઉંમરમાં તેના લગ્ન કરાવવા માંગે છે. જેથી તેમની સાથે રાખવા અને અભ્યાસ કરવા દેવા માટે વિનંતી કરી હતી.જેથી તેમણે બે ત્રણ દિવસ સુધી તેને પોતાનાં ઘરે રાખ્યા બાદ મહિલા પોલીસ મથકે જઈ મુકી આવ્યા હતાં. બીજા દિવસે પ્ર.નગર પોલીસે તેમને બોલાવ્યા હતાં. જયાં તરૂણીનાં કાકા હાજર હતાં. તેની હાજરીમાં તરૂણીએ તેની સાથે જવાની ના પાડી પોતાની સાથે રહેવાની જીદ કરી હતી.આખરે તરણીનાં પરિવારજનોએ લખાણ કરી તેમાં સહી કરી આપતા તરૂણીને તેઓ પોતાનાં ઘરે લઈ આવ્યા હતાં. જયાં તેનું સગી દિકરીની જેમ લાલન પાલન કરતા હતાં. સાથોસાથ તેને અભ્યાસ પણ કરાવ્યો હતો.
ગઈકાલે તે અને તેમનાં પતિ નોકરીએ ગયા બાદ પાછળથી તરૂણી ઘરેથી જતી રહી હતી. કેમેરા ચેક કરતા તેમાં તરૂણી બેગ અને પર્સ સાથે બહાર જતી જોવા મળી હતી. જેથી તેમને બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને કરતા પોલીસે તપાસ કરતા તરૂણીએ લખેલી એક ચીઠ્ઠી મળી હતી જેમાં એવું લખ્યું છે કે, હું આ ઘર મારી મરજીથી છોડીને જાઉ છું. મારે મારી રીતે જીંદગી જીવી છે.
ચાર વર્ષની હતી ત્યારે પપ્પા અને બાદમાં મમ્મી છોડીને ગયા.અહી આવીને હું બહુ જ ખુશ હતી. મને એક મા, એક બાપ અને એક પ્યારી બહેન મળી. હું તેમનો આભાર કેવી રીતે માનું તેની મને ખબર પડતી નથી. જેટલું કહું એટલું ઓછું છે. મારે મારી રીતે નોકરી કરી ભણવું છે. હું પગભર થઈને પાછી આવીશ. મને મારી રીતે જીવવા દેજો. હું ભણી ગણીને પાછી આવીશ. હું મારી જાતને એકલી સમજું છું. મારે એકલું જ રહેવું છે. તમારા જેવા મા-બાપ બધાને મળે, આ જન્મમાં અને બધા જન્મમાં.હું તમારૂ જેટલું ઋણ ચુકવું તેટલું ઓછું છે. અને હું કોઈ ખોટું પગલું નહી ભરૂ.તેમ લખ્યું હતું.