પિતરાઈ ભાઈની માથાકૂટમાં સમજાવવા આવેલા ભાઈની લોથ ઢળી: પરિવારમાં માતમ
રાજકોટ શહેરમાં જાણે ખાખીનો ખોફ વિસરાયો હોય તેમ સામાન્ય બાબતોમાં હત્યાના ગુનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. તેવી જ એક ઘટના ગત મોડી રાત્રે નોંધાઈ હતી. જેમાં બાઈક ખસેડવા જેવી સામાન્ય બાબતમાં છરીનો ઘા મારી એક યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પિતરાઈ ભાઈની માથાકૂટમાં વચ્ચે સમજાવવા આવેલા ભાઈની લોથ ઢળતા પરિવારમાં માતમ છવાયો છે. ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને આરોપીની શોધખોળ હાથધરી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં કિટીપરા વિસ્તારમાં ગત મોડી રાત્રીના ૩:૩૦ વાગ્યાની આસપાસ ગાયકવાડી વિસ્તારમાં રહેતા આશિફભાઈ ઈકબાલભાઈ જુણેજા નામના ૪૦ વર્ષના યુવાનને વિકી અશોક પરમાર નામના શખ્સે છરીનો ઘા મારી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ગત રાતે કિટીપરા વિસ્તારમાં માતાજીનો માંડવો હોય જેમાં જાકિરભાઈ જાહિદભાઈ જુણેજા માંડવામાં બેઠો હતો. ત્યાર બાદ રાત્રીના ૩ વાગ્યાની આસપાસ પોતે ઘરે જવા નીકળ્યો ત્યારે તેના બાઈક પર વિક્કી અશોક પરમાર નામનો શખ્સ બેઠો હતો. જાકિરે વિક્કીને બાઈક લેવું હોય જેથી નીચે ઉતરવાનું કહેતા વિક્કીએ જાકિરને ગાળો ભાંડવાનું ચાલુ કર્યું હતું. જેથી જાકીરે પોતાના પિતરાઈ ભાઇ આસિફભાઈ ઈકબાલભાઈ જુણેજા ( ઉ.વ. ૪૦)ને ફોન કરીને બોલાવ્યો હતો.
આસિફ જુણેજા આવ્યા બાદ વિક્કીએ વધુ માથાકૂટ શરૂ કરી હતી. તે દરમિયાન આસિફે ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા વિક્કિએ પોતાની પાસે રહેલી છરીનો ઘા મારતા આસિફ ઘટના સ્થળ પર જ ઢળી પડ્યો હતો. આસિફને છરીનો ઘા મારી વિક્કી નાસી ગયો હતો. જ્યારે આસિફને લોહિયાળ હાલતમાં જાકિર સહિતનાઓ રિક્ષમાં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે આસિફને મૃત જાહેર કરતા ઘટના હત્યામાં પલટાઈ હતી.
આ અંગે ઘટનાની જાણ થતા પોલીસના ઘામેઘામાં ઘટના સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને શોધી કાઢવા તપાસના ચક્રોગતિમાન શરૂ કર્યા છે