ચોરની આટા મારતા શખ્સને સોસાયટીના લોકોએ ટપારતા બઘડાટી: માસુમ કિશોરને ઇજા
શહેરના ભાગોળે આવેલા કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે આવેલી શિવ શક્તિ સોસાયટીમાં પારકા ઝઘડામાં માસુમ બાળકને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ચોરની જેમ આટા મારતા શંકાસ્પદ શખ્સ સાથે બોલાચાલી બાદ થયેલી માથાકૂટમાં તરુણને છરીનો ઘા વાગી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સાત હનુમાન પાસે આવેલી શિવ શક્તિ સોસાયટીમાં રેસીડેનસી -1ળફ રહેતા દર્શિત જયેન્દ્ર જાણી નામના 17 વર્ષના તરુણને એક અજાણ્યા શખ્સે માથાના ભાગે છરીનો ઘા મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ શિવ શક્તિ સોસાયટીમાં બે દિવસ પહેલા વાહનની ચોરી થઈ હતી. જેથી સોસાયટીના લોકોએ રાત્રીના તકેદારી ભાગરૂપે અજાણ્યા શખ્સો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. જેમાં ગત મોડી રાત્રીના એક અજાણ્યો શકમંદ વ્યક્તિ ત્યાંથી પસાર થતા સોસાયટીના લોકોએ તેની પૂછતાછ કરી હતી. જેમાં મામલો બિચકાતા બોલાચાલી થઇ હતી.
બોલાચાલી બાદ અજાણ્યો શકમંદ શખ્સ હથિયારો લઇ પોતાના સાગરીતો સાથે સોસાયટીમાં દોડી આવ્યા હતા. જ્યાં તેઓએ આડેધડ હથિયાર ચલાવતા 17 વર્ષના માસૂમ દર્શિતને માથાના ભાગે છરીનો ઘા મારી દેતા તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.