તેલ-સેમ્પુ, ફલોરીંગ અને ફોટોગ્રાફિનો ધંધો કરવા ભાવનગરના શખ્સ પાસેથી રૂ.9 લાખ વ્યાજે લીધા’તા: મકાન વેચી વ્યાજ ચુકવ્યું છતાં રૂ.12 લાખની ઉઘરાણી કરવા બઘડાટી બોલાવતા ધરપકડ
રેલનગરના કડીયા યુવાને ભાવનગરના શખ્સ પાસેથી 2015માં રૂા.9 લાખ વ્યાજે લીધા બાદ તેલ-સેમ્પુ, ફલોરિંગ અને ફોટોગ્રાફિનો ધંધો કર્યો હતો પરંતુ કોરોનાના કારણે ધંધો ન ચાલતા વ્યાજ ચુકવી ન શખતા મકાન વેચીને વ્યાજ આપ્યું હોવા છતાં ભાનગરના શખ્સે રાજકોટ આવી મારા મારી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ પર આવેલા અમૃતધારા રેસીડેન્સીમાં રહેતા યજ્ઞેશ મુકેશભાઇ રાઠોડ નામના કડીયા યુવાને ભાવનગરના નટવરસિંહ ભરતસિંહ ગોહિલ સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મારા મારી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
યજ્ઞેશ રાઠોડે ધંધો શરૂ કરવા માટે ભાવનગરના નટવરસિંહ ગોહિલ પાસેથી 2015માં રૂા.9 લાખ વ્યાજે લીધા હતા. વ્યાજે રકમ લીધા બાદ પ્રથમ ફલોરિંગનો ધંધો કર્યો હતો પરંતુ બરોબર ન ચાલતા તેને ફોટોગ્રાફિ અને વીડિયો શુટીંગનો ધંધો કર્યો હતો તે પણ કોરોનાના કારણે ન ચાલતા કોસ્મેટીંગનો વ્યવસાય શરૂ કર્યો હતો અને અત્યાર સુધીમાં રૂા.19 લાખ વ્યાજ સહિત ચુકવી દીધા હોવા છતાં વધુ રૂા.12 લાખની ઉઘરાણી કરી બે દિવસ પહેલાં રાજકોટ ઘરે આવી મારા મારી કરતા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી નટવરસિંહ ગોહિલની ધરપકડ કરાવી હતી.