ભાણવડના પટેલ યુવાન પોતાની વાડીએ સુવા ગયો હતો ત્યારે ચાર અજાણ્યા શખ્સોએ માથામાં ધોકા મારી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા હત્યા પાછળ કુટુંબીક ઝઘડા કારણભૂત હોવાની શંકા સાથે તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાણવડ રહેતા હરેશભાઇ ગોરધનભાઇ જાવીયા નામના પટેલ યુવાન પોતાની વાડીએ સુતા હતા ત્યારે ગતરાતે ચાર અજાણ્યા શખ્સો વાડીએ લાકડી અને ધોકા સાથે આવી હરેશભાઇ જાવીયાના માથામાં મારી હત્યા કર્યાની મહેશભાઇ ગોરધનભાઇ જાવીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતક હરેશભાઇ જાવીયા પરિણીત હોવાનું અને તેને સંતાનમાં બે પુત્રીઓ છે. તેમજ તેઓ માનસિક બીમાર રહે છે. વાડીએ તલ તૈયાર થઇ ગયા હોવાથી વાડીએ કામ કરતા રઘુભાઇ અને હરેશભાઇ તલનું ધ્યાન રાખવા વાડીએ સવા ગયા હતા.
મોડીરાતે ચાર જેટલા અજાણ્યા શખ્સોએ રઘુભાઇને ઘમકી દઇ સુવડાવી દીધા બાદ ચારેય શખ્સો હરેશભાઇ જાવીયાને મારતા તેઓ બચાવો બચાવોનું બુમ પાડતા હતા. થોડી વાર બાદ ચારેય વાડીએથી ભાગી ગયા બાદ રઘુભાઇ હરેશભાઇ જાવીયા પાસે જોવા માટે ગયા તે દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યાનું મહેશભાઇ જાવીયાને રઘુભાઇએ જણાવ્યું હતું.
મૃતક હરેશભાઇ જાવીયાને તાજેતરમાં જ પોતાના કુટુંબી મનસુખભાઇ રવજીભાઇ જાવીયા અને તેમની પત્ની મુકતાબેન સાથે પિતૃકાર્ય કરવા બાબતે ઝઘડો થયો ત્યારે તેઓએ હરેશભાઇ જાવીયાને માર માર્યો હતો. જ્યારે મુકતાબેનના ભાગ્યા પારસ ચનાભાઇ સાથે ઝઘડો કરી હરેશભાઇ જાવીયાએ પગ ભાંગી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.હરેશ જાવીયાને કુટુંબીક ઝઘડા અંગે ચાલતી માથાકૂટના કારણે હત્યા થઇ હોવાની શંકા સાથે પી.એસ.આઇ. એન.એચ.જોષીએ તપાસ હાથધરી છે.