રાજકોટ શહેરમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રીના બસ સ્ટેન્ડ પાસે બાઈક બોલેરો પાછળ ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. સલૂન ધરાવતા યુવાનને વરરાજાને તૈયાર કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કાળ ભેટ્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
સલુન ધરાવતા યુવાનને મોડી રાત્રે વરરાજાને તૈયાર કરી ઘરે પરત ફરતી વેળાએ કાળ ભેટ્યો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં તિરુપતિનગર -4માં ભીડભંજન મહાદેવ મંદિર પાસે રહેતા અને કાલાવડ રોડ પર ગુડલક નામે સલૂન ધરાવતા ભૂપેન્દ્રભાઈ ઉર્ફે વિકિભાઈ જયસુખભાઇ બગથરિયા નામના 34 વર્ષીય યુવાનનું બાઈક બોલેરો પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાનને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવારમાં જ યુવાને દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ અંગે એ- ડિવિઝન પોલીસ મથકને જાણ થતાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ભૂપેન્દ્રભાઈ ઉર્ફે વિકિભાઇ કાલાવડ રોડ પાસે ગુડલક નામનું સલૂન ધરાવે છે. ગત રાત્રીના કોઠારીયા વિસ્તારમાં પોતે લગ્ન પ્રસંગમાં વરરાજાને તૈયાર કરવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે યુવાનનું બાઈક બસ સ્ટેન્ડ પાસે બોલેરો પાછળ ઘૂસી જતાં મોત નિપજ્યું હતું. મૃતક યુવાન 2 બહેન અને એક ભાઇમાં મોટા હોવાનુ અને તેમના છૂટાછેડા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.