- રાજસ્થાનના ‘બ્લડ મેન ઓફ ઇન્ડિયા’ અમરસિંહ નાયક અને હરિયાણાના રક્તદાન પ્રવૃત્તિના ભાગીરથસિંગ કસવા ઉપસ્થિત રહ્યા
- છેલ્લા 15 દિવસથી રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર સાથે ‘ક્લબ-25’નો પ્રોજેક્ટ લોન્ચ કરાયો
આજે સમગ્ર દેશમાં સ્વૈચ્છિક રક્તદાન દિવસ ઉજવાય રહ્યો છે ત્યારે શહેરની વિવિધ બ્લડ બેંક સાથે લાઇફ બ્લડ સેન્ટરે પણ રક્તદાનના મહત્વના પ્રચાર-પ્રસાર સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ હતું. આઝાદીના અમૃત મહોત્સવની 75મી ઉજવણીના ભાગરૂપે શહેરમાં યુવા મતદારો અને રેગ્યુલર ડોનર માટે વિવિધ ઉજવણી થઇ રહી છે. સંસ્થા દ્વારા રાજકોટ શહેરની આસપાસના પાંચ ગામડામાં પણ રક્તદાન-મહાદાન ઝુંબેશથી પ્રચાર કરાયો હતો.
‘ક્લબ-25’ પ્રોજેક્ટમાં રક્તદાન પ્રવૃત્તિને વેગ આપવા 18 વર્ષનો યુવાન રક્તદાન કરે તો 25 વર્ષે તે ‘ક્લબ-25’માં આવી જાય તેવો સફળ પ્રયોગ સમગ્ર દેશમાં પ્રથમવાર લાઇફ બ્લડ સેન્ટરે પ્રારંભ કર્યો હતો. આજના ઉજવણી દિવસે જ 50થી વધુ યુવાનો રક્તદાન કરીને તેમાં જોડાયા હતાં.
આજની ઉજવણીમાં રાજસ્થાનના અમરસિંહ નાયક કે જેને બ્લડમેન ઓફ ઇન્ડિયાનો ખિતાબ મળ્યો છે. રક્તદાનના પ્રચાર માટે 35 હજાર કિ.મી. સાયકલ યાત્રા પણ યોજીને રેકોર્ડ સર્જ્યો હતો. આ તકે હરિયાણાના રક્તદાન પ્રવૃત્તિના અગ્રેસર એવા ભાગીરથસિંગ કસવા પણ હાજર રહીને રક્તદાતાને પ્રોત્સાહિત કર્યા હતા. લાઇફ બ્લડ સેન્ટર છેલ્લા 40 વર્ષથી ચંદ્રકાંતભાઇ કોટિચાના માર્ગદર્શન તળે સુંદર રક્તદાન સેવા કરી રહી છે.
રક્તદાન પ્રવૃત્તિમાં યુવાનો આગળ આવે: અમરસિંહ નાયક
સમગ્ર દેશમાં 1975થી ઉજવાતા આજના સ્વૈચ્છિક રક્તદાન દિવસથી ઘણી જાગૃત્તિ આવી છે પણ હજી યુવાધને રક્તદાન પ્રવૃત્તિની લિડરશીપ લેવાની જરૂર છે. ‘અબતક’ સાથેની વાતચિતમાં તેણે શહેરની રક્તદાન પ્રવૃત્તિ-પ્રોજેક્ટની સરાહના કરી હતી.
રક્તદાનમાં રેગ્યુલર ડોનરનું મહત્વ વિશેષ: ભાગીરથસિંગ કસવા
રક્તદાન પ્રવૃત્તિમાં રેગ્યુલર ડોનરનું વિશેષ મહત્વ હોવાથી ડોનરને પ્રોત્સાહિત કરવો જરૂરી છે તેમ ‘અબતક’ સાથેની વાતચિતમાં તેમણે જણાવ્યું હતું. યુવા રક્તદાતાએ ખાસ દર ત્રણ મહિને રક્તદાન કરવું જરૂરી છે.
‘ક્લબ-25’ પ્રોજેક્ટમાં યુવા વર્ગે જોડાવવું અતિ આવશ્યક: ડો.સ્પૃહા ધોળકિયા
લાઇફ બ્લડ સેન્ટરનાં ડેપ્યૂટી મેડિકલ ડાયરેક્ટર ડો.સ્પૃહા ધોળકિયાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં યુવાધનને ‘ક્લબ-25’માં જોડાવા અનુરોધ કર્યો હતો. લોકોમાં રક્તદાન અંગે આજે પણ ડર જોવા મળે છે. તેવા વાતાવરણમાં સમાજના દરેક વર્ગે જનજાગૃત્તિમાં જોડાઇને અમુલ્ય સેવા કરવાની જરૂર છે