અનામી પારણામાં ત્યજેલી બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતી’તી: પોલીસે વાલીની તપાસ હાથધરી
રાજકોટમાં મધર્સ ડે પર જ સિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન વોર્ડમાં આવેલા અનામી પારણામાં કોઈ ત્રણ દિવસની માસુમ બાળકીને તરછોડી ગયું હતું. તબીબોએ તેની તબિયત નાજુક જણાતા તુરંત એન.આઈ.સી.યુ.માં દાખલ કરી હતી પરંતુ સારવારમાં બાળકીએ દમ તોડ્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી તેના વાલી વારસની શોધ કોળા હાથ ધરી છે.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ત્રણ દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં આવેલા કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં રાખેલા અનામી પારણામાં કોઈ અજાણ્યા માત્ર ત્રણ દિવસની માસુમ બાળકીને મૂકી જતા રહ્યા હતા. આ વાત સિક્યુરિટી ગાર્ડ અને આયાના ધ્યાને આવતા તુરંત તબીબને જાણ કરવામાં આવી હતી.
તબીબોએ તપાસતા બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેથી તુરંત તેને એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. તબીબોના અથાગ પ્રયત્નો છતાં પણ ત્રણ દિવસની સારવાર બાદ બાળકીએ દમ તોડી દીધો હતો. આ અંગે પ્રનગર પોલીસ મથકમાં જાણ થતાં તુરંત તેનો સ્ટાફ દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી બાળકીના વાલી વારસની શોધખોળ હાથધરી છે.