પરીક્ષામાં પેપર નબળા ગયા હોવાથી સતત ચિંતિત રહેતી હતી:બે ભાઈની એકલૌતી બહેનના મોતથી પરિવારમાં અરેરાટી
રાજકોટના ખીજડાવાળો રોડ પર આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતી ધો.12 ની વિદ્યાર્થિનીએ ગઈકાલે પોતાની ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમિક પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે યુવતીને પરીક્ષામાં પેપર નબળા ગયા હોવાથી સતત ચિંતિત રહેવાથી પગલું ભર્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
આ અંગે બનાવની મળતી વિગતો અનુસાર ખીજડાવાળ રોડ પર ચામુંડાનગર શેરી તં-2 માં અભ્યાસ કરતી વૈશાલી શંકરભાઈ પરમાર (ઉ.વ.19) એ ફેઈલ થવાની ચિંતામાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે,મૃતક બે ભાઈની એકલૌતી બહેન હતી તેના પિતા અને બને માઈઓ મજુરી કામ કરે છે. તાજેતરમાં વૈશાલીએ ધો-12 ની પરીક્ષા આપી હતી. પરંતુ પેપર નબળા ગયા હોય ફેઈલ થવાની બીકે સતત ચિંતામાં રહેતી હતી.
આ મામલે તેણે તેના પરિવારજનોને પણ વાતચીત કરી હતી. દરમિયાન ગઈકાલે તેના પિતા અને ભાઈઓ કામે ગયા બાદ તેણે ઘરનું કામ કરી ઘરે હાજર તેના માતાને ઠંડુપીણું પીવુ હોય લઈ આવવાનું કહ્યું હતું. આથી તેની માતા બહાર ઠંડુપીણું લેવા ગયા બાદ પાછળથી વૈશાલીએ ગળેફાંસો ખાઈ લીધો હતો.તેના માતા પરત ઘરે આવતા વૈશાલીને લટકતી હાલતમાં જોતા આઘાતથી સ્તબ્ધ બની ગયા હતા. ત્યારે તત્કાલ પરિવારજનોને જાણ કરી 108 ને જાણ કરી હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પોલીસે બનાવની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.