કાસ્ટિંગ માટે આપેલ 52 કિલો ચાંદી પરત ન કરી પિતા-પુત્ર ફરાર: છેતરપિંડીનો નોંધાતો ગુનો
રાજકોટમાં સોના ચાંદીના વેપારીઓ અવાર નવાર છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. તેઓ જ એક કિસ્સો બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં શહેરના બે ચાંદીના વેપારીઓને મૂળ રાજસ્થાનના કારીગર પિતા-પુત્ર રૂ.21 લાખનો ચુનો ચોપડયો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. કાસ્ટિંગ માટે આપેલું 52 કિલો ચાંદી વેપારીને પરત ન કરી પિતા-પુત્ર ફરાર થઈ જતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં 80 ફૂટ રોડ પર નિત્યમ વિલા સોસાયટીમાં રહેતાં અને પેડક રોડ પર એસ.એસ.ઓ.નામે ચાંદીની પેઢી ધરાવતા બાબુભાઈ પ્રાગજીભાઈ કાનપરિયા નામના 56 વર્ષીય વેપારીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ભાવનગર રોડ પર સિલ્વર નેસ્ટ સોસાયટીમાં રહેતાં સત્યનારાયણ સોની અને તેનો પુત્ર મનોહર સોની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં બાબુભાઈ કાનપરીયાએ જણાવ્યું હતું કે કાસ્ટિંગનું કામકાજ કરતા સત્યનારાયણ સોની અને તેના પુત્ર મનહર સોનીને પોતે 21 કિલોગ્રામ ચાંદી આપેલું હતું. જેમાંથી તેણે સાત કિલોગ્રામ ચાંદી પરત કરી બાકીનું 14 કિલો ચાંદી થોડા દિવસ પછી પરત કરવા માટે કહ્યું હતું. પરંતુ આ પિતા-પુત્ર ચાંદી પરત કરવાને બદલે પોતાના વતન રાજસ્થાન જતા રહ્યા હતા.
એટલું જ નહીં પરંતુ અન્ય ચાંદીના વેપારી સંજયભાઈ રામજીભાઈ અમીપરાનું રૂ.15 લાખની કિંમતનું 37 કિલો ચાંદી પણ પરત ન કરી કુલ રૂ.21 લાખના ચાંદીના મુદ્દામાલની છેતરપિંડી કરી બંને પિતા-પુત્ર નાસી જતા પોલીસે બંનેની સામે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.