કોરોનાકાળમાં એક ઓનલાઇન અને ત્રણ પ્રત્યક્ષ લોક અદાલત યોજાઈ
વિજયી નહીં પરાજય નહીં, પક્ષકારોની સમજણ અને સમજૂતિથી કેસનો નિકાલ: મુખ્ય જજ યુ.ટી. દેસાઇ
કેલેન્ડર વર્ષ 2021ને હવે ગણતરીના દિવસો બાકી છે. વીતેલા 1ર મહિનામાં રાજકોટ જિલ્લાની ન્યાયપાલિકામાં હજારો નવા કેસોનો ઉમેરો થયો છે, તો હજારો ફાઈલો હંમેશા માટે કલોઝ થઈ છે. નવ દાખલ થયેલા કેસો વચ્ચે વર્ષોથી કોર્ટોમાં ચાલી રહેલા હજારો કેસોનો સમયસર નિકાલ એ ન્યાયતંત્ર માટે જાણે પડકાર બની રહયો છે. હિમાલય જેવા આ પડકારને પહોંચી વળવા મીડિયેશન સેન્ટર અને લોકઅદાલત કોર્ટમાં કેસ લડતા બંને પક્ષકારો અને જયુડિશિયરી માટે પ્રાણવાયુ પુરવાર થઈ છે. રાજકોટ જિલ્લા ન્યાયતંત્રમાં 2021 ના વર્ષાંતે કુલ 65945 કેસોનો સમાધાનના રસ્તે સુખદ નિવેડો આવ્યો હોવાનું રેકર્ડ ઉપર નોંધાયું છે સમજૂતીના રસ્તે ઉકેલ લાવવામાં ન્યાયતંત્રને સફળતા મળી છે.
રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ઉત્કર્ષ યુ. દેસાઈના માર્ગદર્શન હેઠળ મંડળના પૂર્ણ કાલીન સચિવ, અધિક સિનિયર સિવિલ જજ અને એડી. ચીફ. જ્યૂડી મેજી. એચ. વી. જોટાણીયાના સંચાલનમાં લોક અદાલતો યોજાઈ, જેમાં અદાલતોમાં પ્રત્યક્ષ કાર્યવાહી બંધ હોવાથી મે માસમાં ઓનલાઇન લોક અદાલત યોજાઈ હતી જુલાઈ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર માસમાં લોક અદાલતની કાર્યવાહી પ્રત્યક્ષ રીતે યોજાઈ હતી. લગ્ન વિષયક તકરારના રાજકોટની કોર્ટોમાં થયેલા 600થી વધુ કેસોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રયત્નોથી સમાધાન કરાવાયું હતું.
6000 ચેક રિટર્ન કેસ અને 1000 જેટલા અકસ્માત વળતરના કેસો ફેસલ થયા હતા. લોક અદાલતો થકી 8940 અને સ્પેશ્યલ સીટીંગમાં 54626 કેસો કાયમ માટે ક્લોઝ થઈ ગયા છે.મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ઉત્કર્ષ યુ. દેસાઈ લોક અદાલતો વખતે અરજદારોને સમજ આપતા હોય છે કે, લોક અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે. બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે. કોઈનો વિજય નહીં તેમજ કોઈનો પરાજય પણ નહીં.
તેવી પરીસ્થિતિ ઉદભવે છે, તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે. અને વૈમનસ્યથી મુકત થવાય છે. પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થતો હોવાથી અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. આમ લોક અદાલતના શુ ફાયદા છે તે દર વખતે અરજદારોને સમજાવવામાં રાજકોટનું ન્યાયતંત્ર ઉત્તમ પ્રયાસો કરી શક્યુ છે.
આ વર્ષની લોક અદાલતોમાં ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ કેસો, ચેક બાઉન્સના કેસો, બેંકના નાણાં વસુલાતના કેસ, મોટર વ્હિકલ અકસ્માત કેસ, વોટર અને ઈલેકટ્રીસીટીના બિનસમાઘાનપાત્ર સિવાયના બિલને લગતા કેસો, લગ્ન વિષયક તકરારો, લેન્ડ એકવીઝીશન એકટના કેસો, લેન્ડર એકવીઝીશન એકટના કેસો, સર્વિસ મેટર જેવી કે પગાર, ભથ્થા, નિવૃતિના લાભો, રેવન્યુ કેસો, રેન્ટ ઈઝમેન્ટરી રાઈટસ, મનાઈહુકમના દાવા, સ્પે. પર્ફોમન્સના દાવા, સહિતના સિવિલ કેસોનો લોકઅદાલતમાં બંને પક્ષે સમાધાનથી નિવેડો લાવવામાં આવ્યો હતો.
અકસ્માત કેસોમાં રૂ.38.70 કરોડનો એવોર્ડ જાહેર
કોર્ટમાં ચાલી રહેલ કેસો પૈકી નાણાકીય તકરાર હોય કે, વ્હિકલ એકસીડન્ટ કે, પછી ઘરેલુ હિંસાના કેસો સહિતની તકરારનો લોકઅદાલતના માધ્યમથી અંત લાવવામાં રાજકોટની જયુડિશિયરી સફળ થઈ છે. આ સાથે જ બંને પક્ષકોવચ્ચે થયેલા સમાધાન સાથે જ અલગ અલગ કેસો મળી 2021 માં યોજાયેલ ફકત ચાર લોક અદાલતમાં કુલ રૂ.38,70,99,209 કરોડનો વ્હીકલ એકસીડન્ટના કેસોમાં એવોર્ડ પણ જાહેર કરાયો છે. એટલે કે કેસોમાં બન્ને પક્ષે સમાધાન થકી વળતર અપાયું છે.