કુવાડવા પોલીસે ગવરીદળમાં જુગારનો દરોડો પાડી વૃદ્ધની પૂછતાછ કરતાં બેભાન થતા સારવાર માટે ખસેડાયા હતા
ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇન્કાર: મોતનું કારણ જાણવા પેનલ પીએમ કરાવાશે : એસીપી
રાજકોટમાં ગવળીદળ ગામે ગઈકાલ મોડીરાત્રીના એક વાગ્યાના આસપાસ કુવાડવા પોલીસ દ્વારા બાતમી આધારે જુગારનો દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા ચાર જુગારીઓને પકડી પોલીસ કસ્ટડીમાં લાવવામાં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા એક શખ્સની પૂછતા જ કરવામાં આવી રહી હતી ત્યારે તે બેભાન થઈ ઢળી જતા પોલીસ દ્વારા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી અને તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા તેને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. અને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.જેથી એસીપી સહીતના અધિકારીઓ પીએમ રૂમે દોડી આવ્યા હતા અને મોતનું કારણ જાણવા માટે પેનલ પી.એમ કરવાની માહિતી આપી હતી.
બનાવની વિગતો મુજબ મનહરપુરા-2 માં રહેતા જયંતીભાઈ લાખાભાઇ અગેસનીયા (ઉ.વ.58)ને કુવાડવા પોલીસ દ્વારા ગવળીદળ વિસ્તારમાં ત્રણ શખ્સો સાથે જુગાર રમતા પકડી પાડયા હતા. અને તેના વિરોધ ગુનો નોંધી તેઓને કુવાડવા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.જેમાં પોલીસ દ્વારા જયંતીભાઈ લાખાભાઇ અગેસનીયાને પોલીસ કસ્ટડીમાં પૂછતાછ કરવામાં આવી હતી. જેમાં પૂછપરછ દરમિયાન તે બેભાન થઈ ઢળી પડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ જયંતીભાઈના પરિવારજનોને થતા તેઓ તત્કાલીક સિવિલ હોસ્પિટલને દોડી આવ્યા હતા અને કુવાડવા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.અને તેમને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાની ના પાડી હતી.જેથી આ વિશેની જાણ એ.સી.પી મનોજ શર્મા અને કુવાડવા પીઆઈ રાણાને થતા તેઓ તત્કાલિક પીએમ રૂમે દોડી આવ્યા હતા અને મોતનું સચોટ કારણ જાણવા માટે પેનલ પીએમ વિશે પરિવારજનોને જણાવ્યું હતું. જેથી પેનલ પી.એમ બાદ મોતનો સચોટ કારણ બહાર આવશે.
આ વિશે પરિવારજનો એ જણાવ્યું હતું કે મૃતકને સંતાનમાં ત્રણ સંતાન છે.અને મૃતક જયંતીભાઈ મજૂરી કામ કરતા હતા.હાલ પોલીસ દ્વારા ન્યાય આપવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કુવાડવા પોલીસે ગઈકાલ રાત્રિના જુગારનો દરોડો પાડી જયંતીભાઈ સાથે ધના રાણા ચૌહાણ, લાખા ખોડા વકાતર અને રણજીત મકવાણા ને જુગાર રમતા પકડી પાડયા હતા અને તેમની પાસેથી રોકડ રૂ.64,800 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.