પોલીસ અને પરિવારને ગેરમાર્ગે દોરનાર સગીરાને ઘરે ધરાર પ્રેમી મળવા આવ્યાનો ઘટસ્ફોટ
શહેરના યુનિવર્સીટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન વિસ્તારમાં રહેતી 17 વર્ષની એક સગીરાએ ચાર દિવસ પૂર્વે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેણીએ પોતાને ડ્રગ્સ પેડલર મહિલા અને તેનો પાર્ટનર હેરાન કરતાં હોવાની જૂઠી કહાની ઉભી કરી હતી. રાતે અગિયાર વાગ્યે ડ્રગ પેડલર મહિલાનો ભાગીદાર એક છોકરો ઘરમાં આવી ધમકાવી ગયાનું અને એ કારણે પોતે આ પગલુ ભર્યાનું પણ તેણે રટણ કર્યુ હતુ઼.જેથી આ મામલે યુનિવર્સીટી પોલીસે ઊંડાણમાં તપાસ કરતા યુવાન શહેઝાદ મહમદભાઈ જોગીશા હોવાનું જાણવા મળ્યું હતું અને તે સગીરાને પ્રેમસબંધ રાખવા દબાણ કરતો હોવાથી તેણીએ આ પગલું ભર્યું હતું.
માહિતી મુજબ 17 વર્ષની સગીરા સવારે પાંચેક વાગ્યે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાય હતી બાદ પોલીસે આ અંગે પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે, સગીરાનો પરિવાર અગાઉ ઘંટેશ્વર વિસ્તારમાં રહેતો અને અને ત્યાં તેણી બ્યુટી પાર્લર ચલાવતી હતી. બે મહિનાથી તેણી પરિવાર સાથે હાલના સ્થળે ભાડેથી રહેવા આવી છે.સગીરાએ ખોટી કહાની ઉભી કરતા જણાવ્યું હતું કે,અગાઉ જ્યાં રહેતાં ત્યાં હું બ્યુટી પાર્લરમાં બેસતી ત્યારે એક મહિલા આવી હતી.
તેણે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી હતી અને તેના પર્સમાંથી વસ્તુ કાઢવા મને કહેતાં મેં અંદરથી એક પડીકા જેવું કાઢતાં એ વખતે જ એણે મારો ફોટો પાડી લીધો હતો. એ પછી એ મહિલાએ કહેલું કે હું તને જે પડીકા આપું તે તારે તારા પાર્લરમાં મારા કહેવાથી જે લોકો આવે તેને આપી દેવાના રહેશે. જો તું આવું નહિ કર તો તારો ફોટો મેં પાડી લીધો છે, એ પડીકામાં ડ્રગ્સ છે અને તું પણ હેરાફેરી કરે છે તેવું હું કહી દઇશ. આવી ધમકી આપ્યા પછી અવાર નવાર તે પડીકા આપી જતી હતી અને અજાણ્યા લોકો આવીને લઇ જતાં હતાં. તેમાં ડ્રગ્સ હોવાનું મને લાગતું હતું.
આ વાત મળતા પોલીસને પહેલા તો આ કહાની જુઠ્ઠી લાગી હતી જેથી તેને વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રૈયાગામે રહેતો શહેઝાદ જોગીશા સગીરાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો જેથી રાત્રીના શહેઝાદ ઘરે આવ્યો હતો તે સમયે પરિવાર જાગી જતા શખ્સ ત્યાંથી ફરાર થયો હતો આ અંગે પરિવારે સગીરાને પૂછતાં તે તેને ઓળખતી નથી તેવું જણાવ્યું હતું.બાદ સગીરાએ ફિનાઈલ ગટગટાવી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પોલીસે શહેઝાડની અટકાયત કરી પૂછતાછ કરતા પૂરો મામલો સામે આવ્યો હતો જેથી પોલીસે યુવાન વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.