અમરેલીના ખાંભા તાલુકાના મોટા બારવણ ગામના પ્રૌઢની દસેક દિવસ પહેલાં મળી આવેલા મૃતદેહના પોસ્ટમોર્ટમમાં લાકડી જેવા બોર્થડ પદાર્થથી માર મારી હત્યા થયાનો તબીબ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન પ્રેમ પ્રકરણના કારણે યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ યુવકના પિતાની હત્યા કર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોટા બારવણ ગામના ગીગાભાઇ નાનજીભાઇ બારૈયા નામના પ્રૌઢનો તેની વાડી પાસેથી લાશ મળી આવી હતી. મૃતકના નાકમાં લોહી નીકળ્યું હોવાથી પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં ગીગાભાઇ બારૈયાના માથામાં લાકડી જેવા બોર્થડ પર્દાથથી માર મારી હત્યા કર્યાનો તબીબ દ્વારા અભિપ્રાય આપ્યો હતો.
મૃતક ગીગાભાઇના પુત્ર રવજી ઉર્ફે વિપુલ તેના જ ગામના સંજય ભગવાન વાળાની પુત્રી 20 દિવસ પહેલાં ભગાડી ગયો હોવાથી ચાલતા મનદુ:ખના કારણે યુવતીના કાકા દિનેશ ભગવાન વાળા, ભરત મંગા ચૌહાણ અને ભીખુ સોમાત મકવાણા નામના શખ્સોએ લાકડીથી ગીગાભાઇ બારૈયાને લાકડીથી માર મારી હત્યા કર્યાની મૃતકના ભાઇ લાખાભાઇ નાનજીભાઇ બારૈયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.