• ભાવવિભોર થયેલી માતાને છાતીમાં દુખાવો ઉપડયા બાદ મોત: પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં હાર્ટએટેકના કારણે અનેક નાની ઉંમરના લોકોને જીવ ગુમાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી નાનાઈ ઉંમરના લોકોને રમતમાં તો અમુક લોકોને પ્રસંગમાં હૃદય બેસી ગયાની ઘટનાઓ સામે આવી છે. તેવી જ રીતે ફરી એકવાર રાજકોટમાં હૃદયરોગનો હુમલો આવતા પરિવારનો માળો પીખાયો છે. જેમાં પુત્રને સી.બી.એસ.સી. પરીક્ષામાં સારા માર્કસ આવતા ભાવવિભોર થયેલી માતાનું હરખમાં હૃદય બેસી જતા મોત નિપજ્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી રોડ ઉપર વિશ્વેશ્વર મહાદેવ મંદિર નજીકની મારૂતિનંદન સોસાયટી શેરી નં. ૪માં રહેતા શીતલબા નરેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૪૭) પોતાના ઘરે હતા. તે દરમિયાન તેમને છાતીમાં દુઃખાવો ઉપડતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત નહિ નિવડતા મૃત્યુ થયું હતું. આ અંગે જાણ થતા માલવિયાનગર પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક શીતલબા ઝાલાના પતિ નરેન્દ્રસિંહ ઝાલા કેબલ ધંધાર્થી અને ઇલેક્ટ્રિક આઇટમનો શોરૂમ ધરાવે છે. શીતલબા ઝાલાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમાં પુત્રી પરિણીત છે. ગઈ કાલે જાહેર થયેલા સીબીએસઈ ધોરણ-૧૦ના પરિણામમાં તેનાં પુત્રનો સારા માર્કસ મળતા માતા શીતલબા ઝાલા ખૂબ જ હરખમાં આવી ગયા હતાં. પુત્રને સારા માર્કસ મળ્યાની ખુશીમાં ભાવવિભોર થયેલા માતાનું હદય બેસી જતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવિયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.