- તરઘળી ગામે મામાના ઘરે જતી વેળાએ અકસ્માત સર્જાયો
- મૃતકના પરિવારમાં કલ્પાંત
રાજકોટ ન્યૂઝ : શહેરની ભાગોળે આવેલા નવાગામ શક્તિ સોસાયટીમાં રહેતા આધેડનું એક સપ્તાહ પૂર્વે અજાણ્યા ટેન્કરની હડફેટે બાઈક આવી જતા ઘંટેશ્વર ગામ નજીક અકસ્માત સર્જાતા આજરોજ સિવિલ હોસ્પિટલમાં ચાલુ સારવારમાં મોત નીપજ્યું છે.
રાજકોટ શહેરની ભાગોળે આવેલા નવાગામ, શક્તિ સોસાયટી શેરી નં. 2 માં રહેતા વિજયભાઈ ધરમશીભાઈ રાતોજા નામના 40 વર્ષીય આધેડનું ગત તા. 2 ના રોજ સવારે દશેક વાગ્યાના અરસામાં ઘંટેશ્વર ગામ નજીક અજાણ્યા ટેન્કરચાલકે બાઈકને હડફેટે લેતા ગંભીર રીતે ગવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,જ્યાં ચાલુ સારવાર દરમિયાન આજ રોજ આધેડનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં વિજયભાઈ રાતોજા ગત તા. 2 ના સવારે દસેક વાગ્યાના અરસામાં જામનગર રોડ તરઘડી ગામે તેના મામા ભાણજીભાઈના ઘરે આંટો મારવા જતા હતા ત્યારે ઘંટેશ્વર ગામ નજીક પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઈકને હડફેટે લેતા આધેડને બાઈક સહિત દૂર ફંગોળી દીધા હતા. ઘટનાસ્થળે આસપાસના લોકો એકઠાં થઈ અજાણ્યા રિક્ષાચાલકે આધેડને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડી પરિવારને બનાવ અંગે જાણ કરી હતી.પરિવારે આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં એક સપ્તાહની સારવાર લઈ આજ રોજ આધેડનું સારવારમાં મોત નીપજતા પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના ભાવેશભાઈ મકવાણાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી ધોરણસરની કાર્યવાહી હાથઘરી છે. મૃતક નિવૃત્ત હતા અને ત્રણ ભાઈ ત્રણ બહેનોમાં બીજા ક્રમે હતા.