ઇન્દોરથી પિતરાઈ ભાઈના લગ્નમાં આવેલી પરિણીતાના
મોતથી હરખનો માહોલ શોકમાં પલટાયો
રાજકોટમાં ગઇ કાલે લગ્નપ્રસંગમાં ડિસ્કો કરતી વેળાએ અચાનક પરિણીતાનું હૃદય બેસી જતા મોત નિપજ્યું હતું. જેમાં ઇન્દોરથી પિતરાઈ ભાઈના લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવેલા ઇન્દોરના પરિણીતાનું મોત નીપજતાં હરખનો માહોલ એકાએક શોકમાં પરિણમ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઇન્દોરમાં રહેતા અંકિતાબેન પાર્થભાઈ ચંદ્રેશા નામના ૩૪ વર્ષીય પરિણીતા રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે વિશ્વકર્મા કેળવણી મંડળમાં પોતાના પિતરાઈના લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. તે દરમિયાન ગઇ કાલે પિતરાઈનો માંડવો હોય અને સાંજે ડિસ્કો દાંડિયા ચાલતા હતા.
ડિસ્કો દાંડિયામાં લગભગ ૨૦૦ જેટલા મહેમાનો રમતા હતા. તે દરમિયાન અંકિતાબેન ચંદ્રેશાને એકાએક છાતીમાં દુખાવો ઉપડતાં તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે અંકિતાબેનને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ અંગે ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક અંકિતા બેન મૂળ ઇન્દોર રહેતા હતા અને તેમના પતિ પાર્થ ભાઈ રેસ્ટોરન્ટ ચલાવે છે અને ફર્નિચર કામના કોન્ટ્રાક્ટ પણ રાખતા હોવાનુ જાણવા મળ્યુ છે. લગ્ન પ્રસંગમાં નાની ઉંમરમાં જ પરિણીતાનું હૃદય બેસી જતા મોત નિપજ્યું હતું જેના કારણે હરખનો માહોલ એકાએક શોકમાં પલટાયો હતો.
અગાઉ પણ થોડા દિવસ પહેલા જ ધોરાજીમાં પણ આવી જ રીતે લગ્ન પ્રસંગમાં ડિસ્કો કરતી વેળાએ એક યુવાનનું હૃદય બેસી જતા મોત નિપજ્યું હતું. ત્યાર બાદ રાજકોટમાં પણ ફરી એક વખત નાની ઉંમરની પરિણીતાને પણ લગ્ન પ્રસંગમાં ડિસ્કો કરતી વેળાએ હાર્ટ એટેક આવી જતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.