ભક્તિનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે દોડધામ કરી ગણતરીની કલાકોમાં જ ચિલઝડપ કરનારાને પકડી લીધો
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોઈ તેમ છાસવારે લૂંટ,ચોરી અને ચિલ ઝડપના બનાવો બનતા રહે છે.ત્યારે હવે તો શહેરની રક્ષા કરનારના ઘર નજીક પણ સુરક્ષા ન રહી હોય તેમ એક બનાવ ગઈકાલે સામે આવ્યો હતો.જેમાં ક્રાઈમ બ્રાન્ચના એસીપી બીબી બસિયાના ઘર નજીક તેના જ સબંધી મહિલાના ગાળા માંથી ધોળા દિવસે રૂ.90 હજારની કિંમતના સોનાના ચેઇનની ચીલઝડપ કરી એક શખ્સ ફરાર થયો હતો.જે અંગે પોલીસ ફરિયાદ નોંધતા ભક્તિ નગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે.
બનાવની વિગતો મુજબ ધ્રોલના લતીપર ગામે રહેતા વિજુબેન વિનુભાઈ જીલરીયા (ઉ.વ.45) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પતિ સિંચાઈ વિભાગમાં નોકરી કરે છે.રાજકોટમાં નણંદના પુત્રની સગાઈ હોવાથી ગઈ તા.13 ના રોજ આવ્યા હતા અને સહકાર રોડ પર રહેતા નણંદને ત્યાં સગાઈનો પ્રસંગ પુરો થતા શ્રીરામ પાર્ક મેઈન રોડ પર રહેતા બીજા નણદોયા ભુપતભાઈ રવજીભાઈ બસીયાને ત્યાં આજે સવારે આવ્યા હતા. ત્યારબાદ નણંદ હંસાબેન સાથે માસ્તર સોસાયટીમાં સાડીની ખરીદી કરવા ગયા હતા.
ખરીદી કરી કોઠારીયા કોલોની ને થઈને શ્રીરામ મેઈન રોડ પહોંચતા પાછળથી કાળા જેવા સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર આશરે 30 વર્ષની વયનો શખ્સ ધસી આવ્યો હતો. જેણે પાછળથી તેના ગળામાં ઝોંટમાંરીસોનાનો ચેઈન ઝુંટવી લીધો હતો. પોતે કાંઈ સમજે તે પહેલા જ ચિલઝડપકાર ભાગી ગયો હતો. તેના ગળાના ભાગે છરકા જેવી ઈજા થઈ હતી. ઘરે પહોંચી પરીવારના સભ્યોને જાણ કરી ભકિતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ક્રાઈમ બ્રાન્ચના એસીપી બસીયાના મકાનથી એક કિ.મી. દુર તેમના જ સંબંધીના ચેઈનની ચિલઝડપ થયાની જાણ થતા જ ભકિતનગર પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પણ દોડી ગયો હતો. ઘટનાના સીસીટીવી ફુટેજ મળી જતાં તેના આધારે ચિલઝડપકાર દર્શિતની ઓળખ મેળવી ભક્તિનગર પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.