કંપનીના ત્રણેય ડાયરેક્ટરોના ખોટા આધાર પુરાવા અને કંપનીના
ખોટા લેટર પેડ રજૂ કરી મોબાઈલ નંબર બદલવા અરજી કરી’તી
બેંકની સતર્કતાના કારણે કંપની સાથે છેતરપિંડી થતા અટકી: એક શખ્સની શોધખોળ
રાજકોટની જાણીતી કંપની જ્યોતિ સીએનસી કંપની સાથે છેતરપિંડી થાય તે પહેલાં જ બેંક કર્મચારીઓની સુજબુજના કારણે પોલીસે એક શખ્સની અટકાયત કરી અન્ય શખ્સની શોધખોળ હાથધરી છે. કંપનીના ક્રેડિટ એકાઉન્ટમાં મોબાઈલ નંબર ચેન્જ કરવાની અરજી સાથે કંપનીના ખોટા લેટર પેડ, ત્રણેય ડાયરેકટરોના ખોટા આધાર પુરાવા રજૂ કરી છેતરપિંડી કરવાની ચાલને બેંકના કર્મચારીઓએ કંપનીને જાણ કરતા પર્દાફાસ થયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે કિશન કનૈયા એપાર્ટમેન્ટમાં રહેતા અને જાણીતી કંપની જ્યોતિ સીએનસીના ડાયરેક્ટર વિક્રમસિંહ રધુવિરસિંહ રાણાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જંગલેશ્વરમાં રહેતો સમીર સલીમ ચાનીયા અને અરુણકુમાર નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧લી ફેબ્રુઆરીના રોજ જ્યોતિ સીએનસી કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર કમલેશ સોલંકીને યુનિયન બેંકમાંથી એક કોલ આવ્યા જેમાં તેઓએ કંપનીના ક્રેડિટ એકાઉન્ટમાં મોબાઈલ નંબર બદલવા માટે અરજી કરી હોય જે માટે વેરીફાઈ કરવા માટે ફોન કર્યો હતો. જેથી કમલેશ સોલંકીએ ડાયરેકટર સાથે વાત ચીત કરતા આવી કોઈ અરજી થઈ ન હોવાનુ જણાવ્યું હતું.
ત્યાર બાદ કંપનીના સેક્રેટરી મૌલિક ગાંધીએ બેંકમાં જઈને તપાસ કરતા ત્યાં જ્યોતિ સીએનસી કંપનીના લેટર પેડ પર અરજી સાથે કંપનીના ડાયરેકટર પરાક્રમસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા અને એસ.એલ.જાડેજાના ખોટા આધાર પુરાવા અને તેમની સહીઓ કરાવી નંબર બદલવા માટે અરજી કરી હતી.
જેથી ગઇ કાલે ફરીવાર સમીર ચાનિયા નામનો શખ્સ અરજી કરવા આવ્યા હતો. જેથી યુનિયન બેંકના કર્મીઓએ તુરંત કંપનીમાં જાણ કરી હતી અને કંપનીના કર્મચારીઓ પોલીસ સાથે બેન્કે દોડી ગયા હતા. જ્યાં જંગલેશ્વરમાં રહેતા સમીર ચાનીયા નામના શખ્સને અરુણકુમાર નામના શખ્સે કાગળિયાઓ સાથે મોકલી અરજી કરવા જણાવ્યું હતું. પોલીસે સમીર ચાનીયાની ધરપકડ કરી અરુણકુમાર નામના શખ્સની શોધખોળ હાથધરી છે. આ શખ્સો કંપનીના ક્રેડિટ એકાઉન્ટમાં પોતાના નંબર દાખલ કરી કંપની સાથે છેતરપિંડી કરે તે પહેલા કંપનીના ખોટા લેટર પેડ અને ત્રણેય ડાયરેકટરના ખોટા આધાર પુરાવા સાથે પોલીસે દબોચી લીધો હતો.