પ્રેમીના પરિવારજનોએ સ્વીકારવાનો ઇનકાર કરતા કેરોસીન છાંટી કર્યો આપઘાત: પરિવારમાં આક્રંદ
સોમનાથના યુવાન સાથે શેરચેટમાં એપ્લિકેશન મારફતે મિલાપ થયો’તો
રાજકોટમાં વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી પ્રેમિકાએ પ્રેમી સાથેના ચાલુ વિડીયો કોલમાં કેરોસીન છાંટી જાત જલાવી દેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારમાં આજ સવારે દમ તોડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. સોમનાથના યુવાન સાથે શેરચેટ એપ્લિકેશન મારફતે પ્રેમ પાંગડિયા બાદ પ્રેમીના પરિવારજનોએ સ્વીકારવાનો ઇનકાર કરતા યુવતીએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં વિજય પ્લોટમાં ૧૨/૨૭ના ખૂણે કાકા સાથે રહેતી સોનલબેન ઉમેશભાઈ અબસાણીયા (ઉ.વ.૨૨) નામની કોળી યુવતીએ આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે તેના પ્રેમી સાથે વીડિયો કોલમાં વાત કરતા કરતાં પોતાના શરીરે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારમાં યુવતીએ દમ તોડયો હતો. આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની નોંધ મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ વધુમાં યુવતીના કાકા વિજયભાઈએ જણાવ્યું હતું કે, તેઓના મોટા ભાઈ ઉમેશભાઈની આગલા ઘરની પુત્રી સોનલ તેઓની સાથે નાનપણથી રહેતી હતી. સોનલ શેરચેટ મારફતે સોમનાથ પંથકના યુવક સાથે સંપર્કમાં આવી હતી અને આઠ માસ પહેલાં તેણીએ પરિવારને યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું અને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવતા પરિવારે તેમને હા પાડી હતી. પરંતુ કોઈ કારણોસર પ્રેમીના પિતાએ લગ્નની ના પાડી હતી.
તે દરમિયાન બે દિવસ પહેલા પ્રેમી યુગલ વચ્ચે વિડીયો કોલમાં વાતચીત ચાલુ હતી. જે બાદ બંને વચ્ચે લગ્ન વિષે વાતચીત ચાલતી હતી. બે દિવસ પહેલા સોનલ તેના પ્રેમી સાથે વીડિયો કોલમાં વાત કરતી હતી ત્યારે ચાલુ વિડીયો કોલમાં પોતાની જાતે કેરોસીન છાંટી જાત જલાવી લીધી હતી.
આ અંગે તેમના કાકા વિજયભાઈને જાણ થતાં તેઓ તુરંત દોડી ગયા હતા જે સમયે પ્રેમીનો વીડિયો કોલ ચાલુ હોવાનું તેઓએ જણાવ્યું હતું. આપઘાત કરનાર સોનલબેન ઉમેશભાઈના પહેલા પત્નીની પુત્રી છે. જે નાનપણથી કાકા વિજયભાઈને ઘરે જ મોટી થઈ છે. વધુમાં સોનલ હાલમાં જ કોલેજમાં અભ્યાસ પૂરો કર્યો છે.