ડો. કમલ દોશી રોજના માત્ર 90 પેશન્ટને જ તપાસતા હોવાથી ટોકન લેવા વહેલી સવારથી લાંબી લાઇનો લાગે છે
શહેરના નિર્મલા કોન્વેન્ટ પાસે આવેલ આદિત્ય હોસ્પિટલ એન્ડ કિટીકલ કેર યુનિટમાં કોરોના દર્દીઓના ચેક અપ માટે દર્દીઓના પરિવારજનોની લાંબી લાઇનો લાગે છે.હાલ રાજયભરમાં કોરોના સંક્રમણ ગંભીર રીતે વધી રહ્યુ છે. ચારેબાજુ લોકો કોરોના દર્દીઓની સેવા ચાકરીમાં લાગી ગયા છે. તો જે ઘરોમાં કોવિડ-19ના પેશન્ટો છે. તેના પરિવારજનો બેડ, ઓફિસજન, ઇન્જેકશન મેળવવા અનેક સમસ્યાઓ વેઠી રહ્યા છે. તેવામાં રાજકોટ શહેરમાં નિર્મલા કોન્વેન્ટ નજીક આવેલી આદિત્ય હોસ્પિટલમાં રોજના માત્ર 90 પેશન્ટનું જ ચેકઅપ કરવામાં આવતુ હોવાથી ટોકન લેવા દર્દીના સગાઓ વહેલી સવારથી લાઇનમાં ઉભા રહી જાય છે ત્યારે માંડ વારો આવે છે.
આ અંગે ‘અબતક’ સાથેની વાતચીતમાં એક કોવિડ-19 દર્દીના સ્નેહી હરીશભા નારણભાઇ મેંઘાણી જણાવે છે કે મારા ઘરમા 4 વ્યક્તિ કોરોના ગ્રસ્ત છે અને હું આદિત્ય હોસ્પિટલમાં ડો. કમલ દોશીને બતાવવા ટોકન લેવા માટે સવારના 5 વાગ્યો ઉભો છું.
અહીં રોજના માત્ર 90 દર્દીને જ તપાસવામાં આવે છે. લોકો પોતાના દર્દીનો જલ્દી વારો આવે તે માટે સવારથી જ લાઇનમાં ઉભા રહી જાય છે. ત્યારે અમારી એવી માંગણી છે કે સરકાર એવી કોઇ વ્યવસ્થા ગોઠવે જેથી કરીને બધાને વારો આવી જાય.