મુંબઈ, બેંગ્લોર અને પુનામાં ચાલતી વ્હાઈટ ટોપીંગ ટેકનોલોજીનો રાજકોટ મહાપાલિકા પણ ઉપયોગ કરશે: નવી ટેકનોલોજીની સમીક્ષા માટે સિટી ઈજનેરોની કમિટી રચતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદમાં પણ રાજકોટના રાજમાર્ગોનું ધોવાણ થઈ જાય છે. ડામર પાછળ વર્ષે, દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં ગેરંટીવાળા રસ્તાઓ પણ સતત તૂટે છે. મુંબઈ, બેંગ્લોર અને પુનામાં રાજકોટથી પણ વધુ વરસાદ વરસતો હોવા છતાં ત્યાંના રસ્તાઓ તૂટતા નથી. આ શહેરોમાં વ્હાઈટ ટોપીંગ ટેકનોલોજીના આધારે રોડ બનાવવામાં આવે છે.
જેમાં ડાગર રોડ પર સિમેન્ટ અને વોટરપ્રુફ કેમિલકનું લેયર પાથરવામાં આવે છે. રાજકોટમાં પણ રાજમાર્ગોને મજબૂતી બક્ષવા માટે હવે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. આ માટે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા પાંચેય સિટી એન્જીનીયરોની એક કમીટીની રચના કરવામાં આવી છે. જેના સર્વે રિપોર્ટ બાદ શહેરમાં પ્રાયોગીક ધોરણે કોઈપણ એક રોડ પર ડામર રોડ સિમેન્ટ અને કેમિકલનું લેયર પાથરવામાં આવશે.
આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, શહેરમાં ચોમાસાની સીઝનમાં ડામર રોડ તૂટે નહીં તે માટે સિટી એન્જીનીયર વાય.કે.ગોસ્વામીને વ્હાઈટ ટોપીંગ ટેકનોલોજીથી બનતા ડામર રોડના કામની સમીક્ષા કરવા માટે મુંબઈ મોકલવામાં આવ્યા હતા. આ ટેકનોલોજીમાં ડામર રોડ પર સીસીનું એક લેયર બનાવવામાં આવે છે. મુંબઈ ઉપરાંત બેંગ્લોર અને પુનામાં આ ટેકનોલોજીનો ઉપયોગ રોડ બનાવવા માટે થાય છે. અમદાવાદ મહાપાલિકાએ પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરી છે અને ટૂંક સમયમાં ટેન્ડર પણ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.
મુંબઈની મુલાકાત બાદ રજૂ કરવામાં આવેલા રિપોર્ટને પગલે ગઈકાલે તમામ પાંચેય સિટી એન્જીનીયરોની એક કમીટી બનાવવામાં આવી છે જે કમીટીના રિપોર્ટ બાદ પ્રાયોગીક ધોરણે રોડ બનાવવા માટે આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આઈઆરસીના સ્ટાડર્ડ પ્રમાણે આ ટેકનોલોજીને માન્યતા આપવામાં આવી છે. જેમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ટેકનોલોજીથી બનતો રોડ 20 વર્ષ સુધી તૂટતો નથી. જો કોઈ આખા રોડને સીસી બનાવવામાં આવે તો ખુબજ મોટો ખર્ચ થાય છે. પણ ડામર રોડ બનાવ્યા બાદ સિમેન્ટ અને કેમીકલનું લેયર બનાવવામાં અવે તો 20 ટકા ખર્ચમાં વધારો થાય છે અને રોડનું આયુષ્ય ચાર ગણું વધી જાય છે.
પ્રતિ ચો.મી. આ કામ માટે રૂા.1000નો ખર્ચ થાય છે. તેઓએ ઉમેર્યું હતું કે, ઈજનેરોની કમીટી દ્વારા પ્રાથમિક સર્વે બાદ જે અહેવાલ આપવામાં આવશે ત્યારબાદ બોમ્બેના ઈજનેરોને રાજકોટ બોલાવવામાં આવશે જે આ નવી ટેકનોલોજી અંગે કોન્ટ્રાકટરને ટ્રેનીંગ આપશે. કોઈ રોડ પર સિમેન્ટ કે કેમીકલનું લેયર પથરાયા બાદ પાઈપ લાઈન રિપેર કરવા સહિતની કામગીરી કરવાની જરૂર પડશે તો આખો રોડ ખોદવો પડશે નહીં પરંતુ એક બે બ્લોક તોડી કામગીરી કરી શકાશે. સંભવત આવતા વર્ષથી ડામર એકશનના કામોમાં નવી ટેકનોલોજીની અમલવારી થઈ જાય તેવી સંભાવના જણાય રહી છે.