દિનદહાડે બાઈક પર આવેલા બે શખ્સોએ રૂ.20 હજારના સોનાના ચેઇનની કરી ચીલ ઝડપ
શહેરના પોષ વિસ્તાર એવા ફોરચ્યુન હોટલ પાસે પ્રમુખનગર પાસે ગઈ કાલે દિનદહાડે એક મહિલાના ગળામાંથી બાઈક પર આવેલી બે સમડીએ જોટ મારી સોનાના ચેઇનની ચીલ ઝડપ કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં પોલીસે મહિલાની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ફોરચ્યુન હોટલ પાસે પ્રમુખનગર -3માં રહેતા મીતાબેન ભરતભાઈ ધોકિયા નામના 47 વર્ષીય મહિલાના ગળામાંથી બે અજાણ્યા શખ્સોએ સોનાના ચેઇનની ચીલઝડપ કરી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે.
આ ફરિયાદમાં જણાવ્યા મુજબ મીતાબેન ધોકિયા ગઇ કાલે બપોરના એકાદ વાગ્યે પોતાની ફરસાણની દુકાનેથી પરત ઘરે આવી રહ્યા ત્યારે ડેરીએથી છાસ લઈ રસ્તા પર જતા હતા ત્યારે ત્યાં આવેલા બે અજાણ્યા શખ્સોએ બાઈક ઉભી રાખી પાછળ બેઠેલા શખ્સે ઉતરીને મીતાબેન ધોકિયાના ગળામાં જોટ મારી ગળામાં પહેરેલો સોનાનો ચેઇન જૂટવાની કોશિશ કરી હતી.
જેમાં મહિલાએ સામે પ્રતિકાર કરી ચેઇન પકડી રાખતા શખ્સના હાથમાં સોનાના ચેઇનનો નાનો ટુકડો હાથમાં આવી જતા બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. જેથી મીતાબેનએ તાલુકા પોલીસ મથકમાં બે અજાણ્યા શખ્સો સામે રૂ.20 હજારના સોનાના ચેઇનની ચીલઝડપ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેથી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એચ.જી.ગોહિલ સહિતના સ્ટાફે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે બંને અજાણી સમડીની શોધખોળ હાથધરી છે.