આર્ટીફિશીયલ ઇંક્યુબેટર મશીનમાં સફળતાપુર્વક સેવન થતા 23 દિવસના અંતે ઇંડાઓ માંથી 4 બચ્ચાંઓનો જન્મ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધૂમન પાર્ક ઝૂમાં ગોલ્ડન ફિઝન્ટ પક્ષીએ ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો તેમ મેયર ડો પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું.તેઓએ ઉમેર્યું હતું કે, રાજકોટ ઝૂ ખાતે પ્રથમ વખત તા.29/10/201પના રોજ ગોલ્ડન ફિઝન્ટ પક્ષીની જોડી (નર તથા માદા) વન્યપ્રાણી વિનીમય અંતર્ગત લખનઉ ઝૂ ખાતેથી મેળવવામાં આવેલ. આ બન્ને પક્ષીઓને અહીનું કુદરતી જંગલ સ્વરૂપનું વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે નર માદાના સંવનનથી માદા ગોલ્ડન ફિઝન્ટ દ્વારા ઇંડા મુકવામાં આવેલ. સામાન્ય રીતે ગોલ્ડન ફિઝન્ટ પક્ષીઓમાં ઇંડા મુકયા પછી ઇંડાઓને સેવવાનું કાર્ય માદા પક્ષી દ્વારા સુવ્યવસ્થીત કરવામાં ન આવે તેવા સંજોગોમાં, ઇંડા સેવવા માટે આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં આ ઇંડાઓને મુકવામાં આવેતા હોય છે. ઉક્ત આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં ઇંડા સેવવા માટે ઓટોમેટીક જરૂરી તાપમાન અને ભેજનું પ્રમાણ જાળવવાનું હોય છે. જેથી આ આર્ટીફીસીયલ ઇંક્યુબેટર મશીનમાં સફળતાપુર્વક સેવન થતા 23 દિવસના અંતે ઇંડાઓ માંથી 4 બચ્ચાંઓનો જન્મ થયો છે. હાલ આ ચારે બચ્ચાં એક માસના થઇ ગયેલ છે અને બધા બચ્ચાઓ તંદુરસ્ત હાલતમાં છે.
ગોલ્ડન ફિઝન્ટ પક્ષી ભારતના કોઇ પણ ભાગમાં જોવા મળતુ નથી. તેનું કુદરતી રહેઠાણ ચીન, યુ.કે., કેનેડાના ગાઢ ભરાવદાર જંગલ વિસ્તારોમાં જોવા મળે છે.આ પક્ષી મિશ્રાહારી હોય, અનાજ, કુણા પાંદડા તેમજ જમીન પરના અન્ય નાના જીવજંતુઓ ખાય છે. નર ગોલ્ડન ફિઝન્ટ સોનેરી પીળા રંગનો હોય છે તેમજ માથા ઉપર કલગી ધરાવે છે. શરીરના આગળના ભાગ પીળાશ તથા લાલ રાંગનો હોય છે. માદા ગોલ્ડન ફિઝન્ટ કલગી વગરની આછા ભૂરા રંગની હોય છે. આ પક્ષીનું આયુષ્ય 10 થી 12 વર્ષ જેટલુ હોય છે.