ઉલ્ટી થતી હોવાનું બહાનું કરી મુસાફરને ઉતારી રિક્ષા સાથે ત્રણેય ભાગી જતા: રૂા.70 હજારનો મુદામાલ કબ્જે
રિક્ષામાં અગાઉથી જ બેઠેલા મુસાફરવાળી રિક્ષામાં મુસાફરને બેસાડી નજર ચુકવી મોબાઇલ અને રોકડ સાથેના પર્સ સેરવી લેતી રિક્ષા ગેંગના ત્રણ સાગરિતોને પોલીસે કુવાડવા રોડ પરથી રૂા.30 હજારની રોકડ સાથે ધરપકડ કરી રિક્ષા કબ્જે કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુસાફર સાથેની રિક્ષામાં પેસેન્જરને બેસાડી થોડે દુર લઇ જઇ રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા બે શખ્સો પૈકી એક શખ્સ પોતાને ઉલ્ટી થતી હોવાનું નાટક કરી રિક્ષા ઉભી રખાવ્યા બાદ તેને હોસ્પિટલ લઇ જવાના બહાને ત્રણેય શખ્સો રિક્ષા લઇ ભાગી ગયા બાદ તેમાં બેઠેલા મુસાફરને પોતાનો મોબાઇલ અને રોકડ સાથેના પર્સની ચોરી થયાનું જણાતા પ્ર.નગર પોલીસમાં તાજેતરમાં ફરિયાદ નોંધાઇ હતી.
રિક્ષામાં મુસાફરની નજર ચુકવી પર્સ અને રોકડ સેરવી લેતી ગેંગના ત્રણ સાગરિતો રિક્ષા સાથે કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે ઉભા હોવાની બાતમીના આધારે પી.આઇ. વી.જે.ફર્નાડીઝ, પી.એસ.આઇ. કે.સી.રાણા, હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ ડાંગર અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ તેમજ મહાવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે સણોસરાના ભાવેશ દિપક મકવાણા, મેટોડાના ભરત મુળજી ચંદ્રપાલ અને વાંકાનેરના વિપુલ નાનજી સિતાપરા નામના શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રૂા.30 હજાર રોકડા અને રૂા.40 હજારની કિંમતની રિક્ષા મળી રૂા.70 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.