ભક્તિનગર પોલીસે 5 મહિલા સહિત 7 ની ધરપકડ કરી કુલ 34 તોલા સોનું અને 26 તોલા ચાંદી કર્યું ક્રબજે
એક આરોપી વિરૂદ્ધ ત્રણ ગુના નોંધાયેલા :વધુ ચોરીના ભેદ ઉકેલવા માટે તમામના રિમાન્ડ મંગાશે
રાજકોટના નાગરિક બેન્ક ચોક નજીક લગ્ન પ્રસંગે જઇ રહેલ વૃધ્ધાની નજર ચૂકવી તેના થેલામાંથી સોના ચાંદીના લાખોની કિંમતના દાગીના ચોરી કરી મહિલાઓ નાસી ગઈ હતી. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા પોલીસે આજ રોજ સુરતથી 5 મહિલા સહીત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલ તમામ 34 તોલા સોનુ અને 26 તોલા ચાંદીના દાગીના કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં ગત 12 ડિસેમ્બરના રોજ ઇન્દુબેન કાંતીલાલ વાઘેલા ઉ.વ.-69 નામના વૃધ્ધા તેમના પરીવારના સભ્યો સાથે જસદણ લગ્ન પ્રસંગમાં જવા માટે નાગરીક બેન્ક ચોક બસ સ્ટોપ થી બોટાદની બસમાં બેસીને જસદણ જવા નીકળેલ ત્યારે તેમના હાથમાં કાપડની થેલી હતી તે થેલીમાં પ્લાસ્ટીકના ડબ્બામાં રાખેલ ત્રણ સોનાના સેટ બુટ્ટી સાથે સોનાની ત્રણ ચેઇન,ચાંદીના ત્રણ-કંદોરા વિગેરે સોના-ચાંદીના દાગીનાઓનો ડબ્બામાં રાખેલ હતા. સોરઠીયા વાડી સર્કલ પાસે બસ પહોંચતા ફરીયાદીને આ દાગીનાનો ડબ્બો પોતાના પર્સમાં જોવામાં આવેલ નહી જેથી તેઓ આજીડેમ ચોકડી પાસેથી બસ માંથી ઉતરી આ બનાવની જાણ પોલીસને કરતા વૃધ્ધાની ફરીયાદ લઇ ભકિતનગર પોલીસ તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન પોલીસે નાગરીક બેન્ક ચોકના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા ફુટેજમા બનાવ સમયે ફરીયાદી બહેનની આસપાસ અમુક શંકમદ સ્ત્રીઓ હીલચાલ કરતી અને તેઓ એક રીક્ષામા જતી જોવામા આવતા તેઓ દ્વારા આ રીક્ષા જે રૂટ ઉપરથી જવાની સભાવના હોય, જે તમામ રૂટના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા તેમા રીક્ષાના નંબરની ઓળખ થયેલ હતી. અને તે ચાર મહીલાઓને નંદાહોલ પાસે ઉતારેલ હોવાની હકીકત જણાવેલ.બાદ ચાલકની માહીતી ટીમને આપતા તેના દ્વારા શોધખોળ કરી તેની પુછપરછ કરતા રીક્ષા ચાલકને ફુટેજ બતાવતા તેઓ આ શંકમદ મહીલાઓને ઓળખી બતાવેલ અને તેજ સ્ત્રીઓને તેઓ નંદાહોલ ખાતેથી બેસાડી ગ્રીન્ડલેન્ડ ચોકડી ખાતે મુકી આવેલ હોવાની માહીતી મળેલ હતી. સી.સી.ટી.વી. ફુટેજમા ગ્રીનલેન્ડ ચોકડીથી આગળની શંકમદ સ્ત્રીઓ ગ્રીનલેન્ડ ચોકડીથી ઇકકો કારમા બેસીને લીંબડી તરફ ગયેલ હતી. દરમ્યાન આરોપીઓ સુરત રહેતા હોવાની માહીતી મળી હતી.
જેથી સુરત શહેરના ડી.સી.બી.શાખાના અધિકારીઓ સાથે સંપર્ક કરતા સુરત ડી.સી.બી. શાખાના કર્મચારીઓ સાથે સુરત શહેર માન દરવાજા ફાયર સ્ટેશનની પાછળ બાખડ મોહલ્લા ગલ્લી નં. 4 ખાતે આરોપીઓના ઝુપડા પાસે રેઇડ કરતા ગુન્હામાં સંડોવાયેલ દશરથભાઇ પોપટભાઇ ઠાકોર ઉ.વ.27, મીરાબેન દશરથભાઇ પોપટભાઇ ઠાકોર ઉ.વ.23,સુમનબેન શુકકરભાઇ ઇશ્વરભાઇ રાખપત્ર ઉ.વ.55, સંગીતાબેન મનોજભાઇ શુકકરભાઇ રાખપત્ર ઉ.વ.25,જીજાબાઇ ઉલ્લાસભાઇ પન્નુભાઇ કામલે ઉ.વ.40,શારદાબેન ગણેશભાઇ રાજપત્ર ઉ.વ.30, મનોજભાઇ શુકકરભાઇ રાખપત્ર ઉ.વ.ર6 (રહે. બધા કાડોદરા હનુમાન ફળીયુ આલીસાન ફ્લેટ બી- 507 સુરત) ની ધરપકડ કરી તેમની પાસેથી 34 તોલા સોનું અને 26 તોલા ચાંદીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કામગીરીમાં ભક્તિનગર પી.આઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા ,પો.સબ.ઇન્સ. એન.એમ વસાવા તથા સર્વેલન્સ ઇન્ચાર્જ હરદેવસિંહ રાયજાદા તથા પો.હેડ કોન્સ પ્રભાતભાઇ મૈચડ, દિલીપભાઇ બોરીચ નરેન્દ્રભાઇ ગઢવી, મનરૂપગીરી ગૌસ્વામી, પ્રવિણભાઇ સોનારા તથા પો.કોન્સ. વાલજીભાઇ જાડા રાજદિપસિંહ જાડેજા, સહિતનાઓ દ્વારા કામગીરી હાથધરવામાં આવી હતી.આ મામલે ગુન્હાના પકડાયેલ આરોપીઓ અલગ અલગ જગ્યાએ અલગ-અલગ શહેરોમાં ચોરીઓ કરવા માટે જતા હોય છે.
રેલ્વે સ્ટેશનની બહાર ફુટપાથ ઉપર સુતા રહે છે ત્યારબાદ બસ ટ્રેન તેમજ ભીડભાડ વાળી જગ્યાઓ ઉપર મોકો મળે ત્યારે લોકો પાસે રહેલ સર-સામાન નજર ચુકવીને કાઢી લેતા હોય છે અને જે ચોરીમાં દાગીના રૂપીયા મળે તેનો તુરતજ ભાગ પાડી તેઓ વીખેરાઇ જતા હોય છે. આ બનાવમાં આરોપી મીરા, સુમન, સંગીતા તથા જીજાબાઇ ચારેય મહીલા આરોપીઓ નાગરીક બેન્ક ચોક ખાતે ચોરી કરવાની વેતમાં હતા તે દરમ્યાન ફરીયાદી વૃધ્ધા હાથમાં રહેલ કાપડની થેલી જોઇ જતા ફરીયાદી વૃધ્ધા બસમાં બેસતા પાછળ પાછળ આ ચારેય આરોપી પણ બસમાં ગયેલ અને આરોપીએ ફરિયાદી બહેનના હાથમાં રહેલ કાપડની થેલીમાં રહેલ ડબ્બો લઈ નાશી ગઈ હતી.
આરોપી ન પકડ્યા ત્યાં સુધી ભોગ બનનાર સાસુ – વહુએ અન્ન જળનો ત્યાગ કર્યો હતો
વિગતો મુજબ જસદણથી રાજકોટ લગ્ન પ્રસંગે આવેલા ઇન્દુબેન કાંતીલાલ વાઘેલા ઉ.વ.-69 અને તેને પુત્ર વધુ નાગરિક બેંક નજીક રિક્ષામાં બેસીને છતા હતા ત્યારે તેમની સાથે રહેલી શંકાસ્પદ મહિલાઓએ તેમના સોનાના ઘરેણાઓની ચોરી કરી નાશી ગઈ હતી ત્યારે આ મામલે વૃદ્ધાએ ભક્તિનગરમાં પોલીસ ફરિયાદ કરી હતી અને જ્યાં સુધી આરોપીઓ ના પકડાય ત્યાં સુધી સાસુ – વહુએ અન્ન – જળ ત્યાગ કર્યો હતો.બાદ ગઈકાલે ચોરી કરનાર સુરતની ગેંગ ઝડપાતા ભક્તિનગર પી.આઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા દ્વારા પોલીસ સ્ટેશનમાં તેમને ચા પીવડાવી પારણા કરાવ્યા હતા.